બગસરા-હામાપુર રોડ પર અચાનક જ એક કાર પેટ્રોલ લીકેજને કારણે ભડભડ સળગી જતા કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. જા કે કારમાં સવાર મુસાફરો સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. બગસરાથી હામાપુર જવાના રસ્તે સવારના ૧૦ વાગ્યે અચાનક એક કારમાંથી પેટ્રોલ લીકેજ થતા કારચાલક અશોકભાઈ શેખડાએ કારને બાજુએ રાખી કારને ચેક કરતા કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેથી અશોકભાઈ શેખડા અને તેમના પરિવારના સભ્યો તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. આગ લાગતા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી. રીબડીયા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બગસરા પાલિકાનું ફાયર ફાઈટર ધારી સરકારી કાર્યક્રમમાં હોવાથી પાલિકા પ્રમુખે તાત્કાલિક જેટીંગ મશીનને મોકલતા ફાયર સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જા કે ત્યાં સુધીમાં તો કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા રોડની બંને બાજુ વાહનોની કતાર લાગી ગઈ હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.