બગસરાના સાપર ગામે ગઈકાલે વહેલી સવારે સિંહો દ્વારા ભરવાડના વંડામાં ઘૂસીને એક સાથે ૩૨ જેટલા ઘેટા બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. અહીં વારંવાર સિંહો દ્વારા ઢોર તેમજ ઘેટા બકરા પર મારણ કરવાના કિસ્સા બની રહ્યા છે. વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના અરસામાં સિંહોએ સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વંડામાં એક સાથે જ્યાં ૪૨ જેટલા ઘેટા-બકરા બાંધેલા હતા ત્યાં હુમલો કર્યો હતો. આ ભરવાડ પોતે વિકલાંગ હોવાથી તેમનું ગુજરાન આ ઘેટા બકરાના સહારે ચલાવતા હતા. આ હુમલામાં દસેક જેટલા ઘેટા બકરા ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ બાબતની જાણ વન તંત્રને કરાતા તેઓ ત્યાં તત્કાલ દોડી આવ્યા હતા. આ તમામ
મૃત ઘેટા બકરાને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા. આ ઘટનાથી લોકોમાં ભય વ્યાપ્યો હતો. આવા હિંસક પ્રાણીઓને ગામની હદમાંથી ખદેડવામાં આવે તેવી લોકોની માંગ છે. ગ્રામજનોએ સોમાભાઈને વળતર ચૂકવવાની માગણી કરી હતી જેથી તેઓ ફરી પોતાનું ગુજરાન ચલાવવા માટે નવા ઘેટા બકરા ખરીદી શકે.





































