બગસરા શહેરમાં ઓનલાઈન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક અજાણ્યા શખ્સે વેપારીનો મોબાઈલ ફોન હેક કરી તેમના બેંક ખાતામાંથી રૂ. ૧,૧૦,૦૦૦ની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. બનાવ અંગે વેપારી પ્રવિણભાઇ કાનજીભાઇ ઠુમ્મર (ઉ.વ.૫૧ )એ ઉજ્જવલ મહાતો તથા એક મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત પ્રમાણે, બગસરાના વેપારીને ગત તારીખ ૦૮/૦૧/૨૦૨૬ના રોજ બપોરે ચાર વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં ઇ્ર્ંનો સત્તાવાર લોગો ધરાવતી એક એપ્લિકેશન ફાઈલ મોકલવામાં આવી હતી. વેપારીએ જેવી આ ફાઈલ પર ક્લિક કર્યું કે તરત જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ભેજાબાજ શખ્સે વેપારીના મોબાઈલ પર કોલ ફોરર્વડિંગની સુવિધા સક્રિય કરી દીધી હતી. જેના કારણે બેંક વ્યવહાર માટે આવતા્ કે અન્ય કોલ્સ સીધા આરોપીના ફોન પર જવા લાગ્યા હતા. આ પદ્ધતિનો ઉપયોગ કરી, આરોપીએ વેપારીના બેંક ખાતામાંથી તારીખ ૦૯/૦૧/૨૦૨૬ના રોજ કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની રકમ પોતાના કેનેરા બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રકમ ઉજ્જવલ મહાતો નામના વ્યક્તિના કેનેરા બેંક ખાતામાં જમા થઈ છે. હાલમાં આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાઈબર ક્રાઈમ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઇ.જે.ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.










































