અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુંઘીયા ગામના ખેડૂતોમાં ૨૦૨૪ ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજ બાબતે ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે ડીલર દ્વારા તૈયાર કરાયેલી ક્રોપ સર્વે યાદીમાં વાસ્તવિક પાકનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને સર્વે નંબર ૨૬૭ સુધીની યાદી રજૂ કરી છે, જ્યારે ૧૪૦ સર્વે નંબરના પાકોને બાકાત રાખવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારની જાહેરાત પ્રમાણે ૧ હેક્ટર દીઠ ૨૦ હજાર સહાય મળવા પાત્ર હતી, પરંતુ યાદીમાં થયેલી ભૂલ અને કાપછાંટને કારણે માત્ર ૧૧ હજાર આપવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો આને સીધો અન્યાય ગણાવી રહ્યા છે. ખેડૂતોના પ્રતિનિધિમંડળે મામલતદારને લેખિત આવેદન આપીને રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની માંગણી કરી છે.