બગસરાના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડેલા હોવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાને ખાડાઓ બૂરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા લોકહિતના કામો ન થતા હવે શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ ચેમ્બર ઓફ કોમર્સ બૂરશે. બગસરાના અનેક વિસ્તારોમાં મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખાડાઓ બૂરવા માટે પાલિકાને અનેકવાર લેખીત રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા ખાડાઓ બૂરવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરાતી હોવાથી લોકોની સુખાકારી માટે હવે ચેમ્બર ઓફ કોમર્સ ખાડાઓ બૂરશે. આ અંગે ચેમ્બર પ્રમુખ દિનેશ હડીયલે જણાવ્યું હતું કે, વેપારીઓ પાસેથી લેવામાં આવતી ફીનો ઉપયોગ ચેમ્બર ખાડાઓ બૂરવામાં કરશે. પાલિકા પાસે તાયફાઓ કરવાનો સમય છે. પરંતુ શહેરની પ્રજાને સુખાકારી માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ખાડાઓ તો ઠીક જાહેર મુતરડીની સફાઈ પણ કરવામાં આવતી નથી. જેથી હવે આજથી ચેમ્બર ઓફ કોમર્સ ખાડાઓ બૂરી શક્ય હશે તેટલી લોક સુખાકારીનું કાર્ય કરશે. આ અંગે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે, ખાડાઓ બૂરવા માટે ટેન્ડર ઓનલાઈન કરવામાં આવ્યું હતુ ,કોઈએ ટેન્ડર ન ભરતા ફરી રીટેન્ડરીંગની પ્રક્રિયા કરવામાં આવી છે.
ચેમ્બરની કામગીરીને વેપારી મહામંડળે વખાણી
બગસરામાં ખાડાઓ બૂરવાનુ ચેમ્બર ઓફ કોમર્સે બીડુ ઝડપ્યા બાદ આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશ મસરાણીએ જણાવ્યું હતું કે, ખાડાઓ બૂરવાની કામગીરી પાલિકાએ કરવાની હોય છે પરંતુ જો ચેમ્બર ઓફ કોમર્સ આ કામગીરી કરતી હોય તો આ સારી બાબત છે.
પાલિકા સારા રસ્તા કેમ બનાવતી નથી? આપ
બગસરામાં પડેલા ખાડાઓ બાબતે આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, રસ્તામાં પડેલા ખાડાઓ માત્ર એક જ દિવસમાં પડ્યા નથી. ઘણા સમયથી આ ખાડાઓ છે. જયારે રસ્તાઓ બનતા હોય ત્યારે ગુણવત્તાવાળા રસ્તાઓ કેમ બનતા નથી? બગસરા પાલિકા માત્ર સન્માન સમારંભ કરવા માટે જ ટેવાયેલી છે. લોકોને સારી સુવિધા મળે તેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી.










































