બગસરા શહેરની મધ્યમાં આવેલી સોસાયટીમાં દીપડાની અવરજવર થતી હોવાના વીડિયો વાયરલ થતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડો માનવ જિંદગી પર હુમલો કરે તે પહેલા તેને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી રહેવાસીઓએ માંગ કરી છે. બગસરા પંથકમાં વન્યપ્રાણીઓના આંટાફેરા વધતા જતા હોવાથી લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ છે. શહેરની મધ્યમાં આવેલી નવી બની રહેલી મામલતદાર કચેરીના સામેના વિસ્તારમાં જ દીપડાના આંટાફેરા વધ્યા છે. વ્રજભૂમિ સોસાયટીની દિવાલ પર જ દીપડો બેઠો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
જંગલ વિસ્તાર છોડી દીપડાના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધવાથી વિસ્તારવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. રાત્રિના સમયે ઘરે આવતા લોકો પણ ફફડી રહ્યાં છે. દીપડો કોઈ માનવ જિંદગી પર હુમલો કરે તે પહેલા જ દીપડાને પકડવામાં આવે તેવી રહેવાસીઓએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે વર્ષો પહેલા એક માનવભક્ષી દીપડાએ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ તેને ઠાર મારવામાં આવ્યો હતો.