અમરેલી ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ અમરેલી (ગીર)ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.૧૪થી ર૧ સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવશે. સવારે ૬ઃ૦૦ થી ૮ઃ૦૦ સમય દરમિયાન આ યોગ સપ્તાહ રાજકમલ ચોક પાસે, અમરેલી આયુર્વેદ હોસ્પિટલના પ્રાકૃતિક વાતાવરણમાં કરવામાં આવશે. તા.૧૪ના રોજ યોગ અને પ્રાણાયામ સ્વાસ્થ્યમાં યોગનું મહત્વ, તા.૧પના રોજ શ્વસનતંત્રના રોગોમાં યોગનું મહત્વ, તા.૧૬ના રોજ ડાયાબીટીસમાં યોગ અને આયુર્વેદ, તા.૧૭ના રોજ પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૮ના રોજ સાંધના દુઃખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૯ ના રોજ ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.ર૦ ના રોજ માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ અને તા.ર૧ ના રોજ યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવનશૈલીમાં મહત્વ સમજાવવામાં આવશે. આ યોગ સપ્તાહમાં ગમે તે ઉંમરના લોકો નિઃશુલ્ક ભાગ લઇ શકશે. સવારે યોગ સેશન બાદ દરરોજ સાંજે અલગ અલગ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે. આ યોગ સપ્તાહનો લાભ લેવા બન્ને સંસ્થા દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.