બગસરા તાલુકામાં આવેલા મોટા મુંજીયાસર ગામે ગ્રામજનોની સુવિધામાં વધારો કરતા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ અંતર્ગત ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કૂવો તથા પાણીની પાઇપલાઇન નાખવાના અંદાજિત રૂપિયા ૩૫ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામના આંતરિક રસ્તાઓને મજબૂત કરવા માટે અંદાજિત રૂપિયા ૨૦ લાખના ખર્ચે બ્લોક રોડ બનાવવાનું આયોજન કરાયું છે. તેમજ ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી રૂપિયા ૧૫ લાખના ખર્ચે નવી ગટર લાઇનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિક ડેમના નવીનીકરણ અથવા મજબૂતીકરણ માટે અંદાજિત રૂપિયા ૧૨ લાખની રકમ ફાળવવામાં આવી છે. આમ, કુલ મળીને લાખો રૂપિયાના લોકકલ્યાણના કામોની ભેટ ગામને મળી છે.
આ ગરિમાપૂર્ણ અને ઉત્સાહવર્ધક કાર્યક્રમમાં પૂજ્ય મંડાણપીરની જગ્યાના મહંત નારદબાપુએ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમની સાથે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર તેમજ બગસરા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરણીએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ તકે બગસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, બગસરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઈ બકરાણીયા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો