બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પૂર્વ સરપંચ દ્વારા યોગ્ય રીતે ડેડ સ્ટોક નવા સભ્યોને સોપવામાં આવેલ ન હોવાની ઉચ્ચ અધિકારીને રજૂઆત છતાં કોઈ નિર્ણય ન થતા આખરે ગ્રામ પંચાયતને તાળા મારવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કોઈ તરફથી સહકાર ન મળતા આખરે વાતનું સુરસુરીયું થઈ ગયું હતું. મળેલી વિગતો મુજબ મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ રમેશભાઈ સતાસિયા અને હાલના સરપંચ જયસુખભાઈ ખેતાણી વચ્ચે ડેડ સ્ટોક બાબતે ચાલી રહેલી વહીવટી લડાઈમાં તાલુકા, જિલ્લાની કચેરીઓ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવતા આખરે સરપંચ જયસુખભાઈ ખેતાણીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી ૧૪ મે ના રોજ ગ્રામ પંચાયતને તાળું મારી દેવાની જાહેરાત કરી હતી. આ બાબતે તેમણે ઉપલી કચેરીઓને પત્ર લખી ગ્રામ પંચાયતને તાળું મારવાની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન કોઈ પણ પ્રકારનો રાજકીય સહકાર ન મળતા તેમજ સરકારી કચેરીને તાળું મારવાથી પોલીસ ફરિયાદ થવાનો ભય ઊભો થતા સરપંચ દ્વારા પોતે કરેલ જાહેરાતનું સુરસુરીયું થઈ ગયું હતું. આ બાબતે સરપંચ જયસુખભાઈ ખેતાણીને પૂછવામાં આવતા ધારાસભ્ય સહિતના લોક પ્રતિનિધિઓ દ્વારા આ પગલું ન ભરવા માટે સમજણ આપેલ હોવાથી પોતે ગ્રામ પંચાયત કચેરીને તાળું મારવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. ખાનગી સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ સરપંચે પણ તેમનું ઘર જે જમીન પર બનાવેલ છે તે સરકારી જમીન પર દબાણ કરેલ હોવાનું ખુલ્લુ થવાના ડરને કારણે આ કાર્યક્રમ રદ કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.