બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદે દબાણ અને મહાકાય વૃક્ષોની કાપણીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી બાળકોના રમવાના મેદાન અને બગીચા તરીકે ઉપયોગમાં લેવાતી આ જગ્યાએ કેટલાક લોકોએ ખાનગી વાહનોના ર્પાકિંગ માટે શેડ બનાવી કબજો જમાવ્યો હોવાનો આરોપ છે. રહીશોના જણાવ્યા મુજબ, કોઈ મંજૂરી વિના અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાથી પર્યાવરણને નુકસાન થયું છે. પાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયાએ જણાવ્યું કે આ અંગે પાલિકા પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગે પણ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે રાજકીય સંડોવણીના કારણે વહીવટી તંત્ર નિષ્ક્રિય રહ્યું છે.