અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામે રહેતા એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અજાણ્યા સાયબર ઠગ દ્વારા સીમ કાર્ડ બંધ કરાવી દઈ વેપારીના બેંક ખાતામાંથી અંદાજે પોણા બે લાખ રૂપિયાથી વધુની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ અંગે જયરાજભાઇ મધુભાઇ રાબડીયા (ઉવ.૩૫)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનું સીમ કાર્ડ કોઈ અજાણ્યા શખ્સે કોઈપણ રીતે બંધ કરાવી દીધું હતું. સીમ કાર્ડ બંધ થયા બાદ, આ નંબર સાથે લિંક થયેલા તેમના બેંક ખાતાને નિશાન બનાવવામાં આવ્યું હતું. તારીખ ૨૬/૧૦/૨૦૨૫થી ૨૭/૧૦/૨૦૨૫ દરમિયાન, માત્ર બે જ દિવસમાં ઠગબાજોએ અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૧,૮૪,૯૭૭ ઉપાડી લીધા હતા. જ્યારે તેમને આ નાણાકીય વ્યવહારોની જાણ થઈ, ત્યારે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ફરિયાદીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ છેતરપિંડી અને સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.








































