બગસરાના માવજીંજવા ગામે ડમરાળા રોડ પર યુવતીને ભગાડી જવાની જૂની અદાવતમાં બે શખ્સોએ ફરિયાદીના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ યુવકને છરી અને લોખંડના પંચ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હાલ સુરતમાં રહેતા મૂળ માવજીંજવા ગામના હરેશકુમાર બાલુગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૮) એ તેના જ ગામના કુલદીપભાઇ જયસુખભાઇ ગોસાઇ તથા સંજયભાઇ શેલપરી ગોસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આ ઘટના આજથી આશરે ત્રણ મહિના પહેલા બનેલા એક બનાવ સાથે સંબંધિત છે. કુલદીપભાઈ ગોસાઈ ફરિયાદીના કૌટુંબિક ભાણેજ હીરલબેન ભરતભાઇ ગોસાઇને ભગાડી ગયો હતો. જોકે, ત્યારબાદ પરિવારે હીરલબેનને સમજાવીને ઘરે પાછી લઈ આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ અવારનવાર બોલાચાલી કરતા હતા. બે દિવસ પહેલા તેમના ભાઈ સુરેશભાઇ માવજીંજવા ગામે ડમરાળા રોડ પર ઘર પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે બેઠા હતા.આ દરમિયાન, બંને આરોપી ત્યાં આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. કુલદીપભાઈ ગોસાઈએ ઉશ્કેરાઈને સુરેશભાઇની જમણી આંખ પાસે છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે સંજયભાઈ ગોસાઇએ લોખંડનો પંચ પહેરીને સુરેશભાઇને જમણા પડખે અને વાંસાના ભાગે માર મારી ઇજા કરી હતી. આ ઉપરાંત, બંને આરોપીઓએ ભેગા મળીને સુરેશભાઇને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.