બગસરાના જેઠીયાવદર ગામે એક યુવકે લગ્ન માટે યુવતીની શોધ કરી હતી ત્યારે લગ્ન માટે બગસરાના બે દલાલોએ યુવતી સાથે સંપર્ક કરાવી યુવકના લગ્ન કરાવ્યા હતા. જા કે લગ્નના આઠ દિવસ બાદ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે યુવતી સામે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એલસીબી પોલીસે આઠ માસ બાદ લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. બગસરાના જેઠીયાવદર ગામે રહેતા પરેશ અરજણભાઈ ઢોલરીયાએ લગ્ન માટે યુવતીની તપાસ કરી હતી ત્યારે દલાલ મારફતે ભરૂચ રહેતી સંગીતા વિષ્ણુભાઈ ચાવડા સાથે લગ્ન માટે મુલાકાત કરાવવામાં આવી હતી. જયાં બંને વચ્ચે લગ્ન કરાર કરવામાં આવ્યા હતા. લગ્ન કરાર બદલ યુવક પાસેથી રૂ.૧.૭૦ લાખ લીધા હતા. લગ્ન કરાર બાદ યુવતી સાસરિયામાં માત્ર થોડા દિવસ રહ્યાં બાદ ફરાર થઈ ગઈ હતી જેથી પરેશ ઢોલરીયાએ યુવતી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતી છેલ્લાં આઠ માસથી ફરાર હોય એલસીબી પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી લૂંટેરી દુલ્હન સંગીતા વિષ્ણુ ચાવડા રહે. ભરૂચ, હાલ રહે. પોરબંદરની ધરપકડ કરી હતી.