બગસરાના જુની હળીયાદ ગામે એક યુવતીએ સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર ચાલ્યું હતું. જે બાદ ઝઘડા થવા લાગ્યા હતા. પતિએ પત્નીને મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મંજુલાબેન ઉર્ફે મિતલબેન બીપીનભાઈ રફાળીયા (ઉ.વ.૨૭)એ પતિ બીપીનભાઈ ભનુભાઈ રફાળીયા તથા જેઠ ઘનશ્યામભાઈ ભનુભાઈ રફાળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આશરે સાતેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા અઢી વર્ષથી પતિ તેને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. ઉપરાંત અવાર-નવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા હતા. તેમજ બે દિવસ પહેલા શરીરે મુંઢમાર માર્યો હતો. ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.