બગસરાના જુના ઝાંઝરીયા ગામે રહેતી એક મહિલાએ તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં હુમલો કરવામાં આવ્યો હતો. નીરૂપાબેન રમેશભાઈ મકવાણા (ઉ.વ.૪૦)એ દિનેશભાઈ મેરામભાઈ મકવાણા તથા કાન્તાબેન મેરામભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના પતિ ઘરે હાજર હતા તે દરમિયાન દિનેશભાઈ મકવાણા તેનું તથા તેના પતિનું નામ લઇને વગર વાંકે ગાળો બોલતા હતા. જેથી તેમણે ઘરની બહાર નીકળી ગાળો દેવાની ના પાડી હતી. આરોપીએ ઉશ્કેરાઈ તેનો હાથ પકડીને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જેથી તેઓ રાડારાડ કરતા પતિ બચાવવા આવ્યા હતા. આરોપીએ તેમને પણ ફટકાર્યા હતા. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી દિનેશભાઈ મેરામભાઈ મકવાણા (ઉ.વ.૪૪)એ નીરૂપાબેન રમેશભાઈ મકવાણા તથા રમેશભાઈ છનાભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેની દીકરી તેમના ઘરે હતા તે દરમિયાન નીરૂપાબેન તેમની ખોટી ખરાબ વાતો તથા સંભળામણી કરતા હતા. જેથી તેમણે આવી ખોટી વાતો કરવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુંનો માર મારતા હતા ત્યારે તેની દીકરી વચ્ચે પડતાં તેને પણ લાકડી વડે ડાબા હાથના ભાગે એક ઘા માર્યો હતો. જે બાદ બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.