અમરેલીમાં સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો. બગસરાના કડાયા ગામે ખેત મજૂરની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. લગભગ અડધો કિલોમીટર સુધી બાળકીને ઢસડી લઈ જઈને સિંહે તેનો શિકાર કર્યો હતો. બાળકીનું સિંહના હુમલાથી મોત થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. વનવિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ત્યારે ગ્રામજનોએ સિંહને પાંજરે પૂરો પછી મૃતદેહ સ્વીકારશે તેવી માંગ કરી હતી.
બગસરાના કડાયા ગામે મૂળ રાજસ્થાનનો સુકરમ નામનો યુવક પોતાના પરિવાર સાથે મહેશભાઈ જારુભાઈ ધાધલની વાડીએ રહેતો હતો. તેને સંતાનમાં પાંચ વર્ષની દીકરી હતી. ગત રાતના સમયે તેની દીકરી મકાનની સામે રમી રહી હતી, ત્યારે અચાકન ત્યાં સિંહ આવી ચઢ્યો હતો. શિકારના શોધમાં આવેલ સિંહે બાળકીને ઉપાડી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે સુકરમે ગામ લોકોને જાણ કરતા જ ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તમામ લોકોએ મળીને બાળકીને શોધ ચલાવી હતી. ત્યાં એક કિલોમીટર દૂર સિંહ બાળકીને ફાડીને ખાતો નજરે ચઢ્યો હતો. લોકોના અવાજથી તે બાળકીને છોડીને ભાગી ગયો હતો. લોકોએ નજીક જઈને તપાસ કરી તો બાળકી મરી ગઈ હતી. સિંહના શિકારથી તેના શરીરના અંગો પણ બહાર આવી ગયા હતા.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ દોડી આવી હતી. સ્થાનિક લોકોએ સિંહને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી હતી. કારણ કે, આ સિંહ લોહી ભૂખ્યો બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલીના કડાયા ગામમાં માઠી દશા બેસી છે. અગાઉ પણ આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો અને પાંચ લોકોને ફાડી ખાધા હતા. ત્યારે હવે સિંહ માનવભક્ષી બન્યો હતો. લોકો સાંજના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે. ખાસ કરીને પોતાના બાળકોને સાચવી રહ્યાં છે.