રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ બગસરાના એક માસના બાળકના હૃદયનું વિનામૂલ્યે સફળ ઓપરેશન અમદાવાદ ખાતે યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ બગસરામાં ફરહાન નામના બાળકનો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ જન્મ થયો હતો જેને હૃદયમાં કંઈક તકલીફ હોવાનું ડોક્ટરોને જણાતાં બાળરોગ નિષ્ણાંતને બતાવવા માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. અહી બાળકનું ૧૪ માર્ચના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાળક તંદુરસ્ત જણાતાં અઢી મહિનાની સારવાર બાદ ૯ મેના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આ ઓપરેશનનો ખર્ચ અંદાજે ૪ થી ૫ લાખ જેવો થતો હોય પરંતુ આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત આ ઓપરેશન વિનામૂલ્યે થયું હતું. બાળકનું સફળ ઓપરેશન થતાં ફરહાનના પરિવારે અમદાવાદના ડોક્ટરો, બગસરાનાં આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો.