બકો ઊભી બજારે હાલ્યો જાય છે અને રટણ રટતો જાય છે.
‘‘મારો જમાઈ કલેકટર બની ગયો..,મારો જમાઈ કલેકટર બની ગયો.’’
ગામ આખાને થયું કે ‘આ બકાને છોડી નનકડી છે. અને જમાઈ ક્યાંથી આવ્યો? અને એ પણ કલેકટર!?? બાળ વિવાહ કર્યા હોય તો જમાઈ પણ નનકડો જ હોય. અને નનકડો જમાઈ કલેકટર કેવી રીતે હોય??’
બકાને ગામ શું માને છે? શું વાતો કરે છે? એની હારે કાંઈ લેવાદેવા નથી. એ તો બસ, એની ધૂનમાં બોલ્યે જાય છે. ‘‘મારો જમાઈ કલેકટર બની ગયો.’’
બોસનું ઘર આવી ગયું. બોસ ,બેરાલાલ અને અમથાલાલ ભારત પાકિસ્તાન યુધ્ધની ચર્ચા કરી રહ્યા હતા.
‘‘ભારત અહિંસાનું પૂજારી છે. એ જ્યારે હુમલો કરશે ત્યારે ઘરમાં ઘરીને મારશે. છડેચોક મારશે. નિર્દોષને ઉની આંચ પણ નહીં આવવાં દે.’’
બકાએ આવીને વાતમાં ભંગ પાડ્‌યો.
‘‘મારો જમાઈ કલેકટર બની ગયો.. મારો…’’
‘‘હં..હં..હં. હવે તો બસ કર, આમને આમ નકરા કલેકટર બનશે તો નોકરી ક્યાં કરશે ?ભારતનો વિસ્તાર હજુ વધ્યો નથી.’’
‘‘હા પણ, મારો જમાઈ કલેકટર બની ગયો એનું શું?’’
બેરાલાલે પહેલો પ્રશ્ન ઉઠાવ્યો.
‘‘બકા, તારાં લગન હજી હમણાં માંડ માંડ થયાં અને તારે નાનકડી છોકરી છે. તો પછી આ તારો જમાઈ કલેકટર કેવી રીતે?’’
‘‘મારાં હાઢુભાઈનો જમાઈ, ઈ મારો જમાઈ ગણાય કે નહીં?’’
‘‘હા, ગણાય. પણ તારો હાઢુભાઈ તારાં જેવડો જ હોય ને. એનો જમાઈ પણ આવડો મોટો ક્યાંથી?’’
‘‘અરે, મારાં હાઢુભાઈના ગામનો જમાઈ. એટલે એનો જમાઈ. એનો જમાઈ એટલે મારો જમાઈ..!!’’
‘‘બકા હવે આ વધું પડતું થાય છે હોં.’’
‘‘કેમ ? કેમ ?? ગામનો સામાન્ય પોલીસવાળો હોય તો’ય આપણે બે વેંત ઊંચા હાલીયે છીએ.
બાજુના ગામનો ધારાસભ્ય હોય, તોય આપણને ફાંકો હોય છે કે નહીં!! તો પછી, આ તો કલેક્ટર.’’
બોસે કહ્યું.
‘‘ફોડ પાડીને વાત કરને, મૂળ વાત શું છે?’’
‘‘મારાં જમાઈને હારી જગ્યાએ ગોઠવી દેવો છે.
ક્યાંય ઓળખાણ હોય તો કેજો.’’
‘‘હારી જગ્યા એટલે? કેવી જગ્યા? જૂનાગઢમાં બોવ જગ્યા છે. ન્યા ગોતો તો હારી, મજાની જગ્યા મળી જાય. મારે એક બે ઓળખાણ છે. કે તો વાત કરૂં!?? અને મૂળ મુદ્દો કલેકટર થયાં પછી બાવા કેમ બની જાવું છે? સંસારમાંથી મોહ ઉડી ગયો? ’’
બેરાલાલે શંકા જાહેર કરી.
‘‘બેરાલાલ..! એ જગ્યાની આ વાત નથી. જગ્યા એટલે ખુરશીની આ વાત છે. હા પણ, બકા હારી જગ્યા એટલે મલાઈ વાળી જગ્યાનું પોસ્ટીંગ ગોતે છે તારાં જમાઈ? એ જગ્યાનો ભાવ તો વધારે હોય છે હોં. કરોડોમાં વહીવટ થાય છે. આટલાં બધાં રૂપિયા તારો જમાઈ આપશે ?’’
‘‘થું..થું..થું..! મારો જમાઈ છે અણીશુધ્ધ. એમને મલાઈનો એક રૂપિયો ના ખપે.’’
‘‘તો પછી, હારી જગ્યા કેમ ગોતે છે??’’
‘‘માથાંભારે માણસો હેરાન ના કરે. ખંધા રાજકારણી નેતાઓ પરેશાન ના કરે. આવી જગ્યા જોઈએ છે.’’
‘‘આ બિહાર કે બંગાળ નથી ભાઈ, આ ગાંધીનું ગુજરાત છે. (અહીં થોડી જગ્યા બાદ કરતાં) બધી જ જગ્યા હારી જ છે.’’
‘‘ના ના ના બોસ, તમારી ભૂલ થાય છે. મોટાંભાગની જગ્યામાં અત્યારે નેતાનો મોટો ડોળો છે.’’
‘‘બકા હવે તું ચૂંટાયેલા જન પ્રતિનિધિનુ જાહેરમાં અપમાન કરે છે. ધ્યાન રાખજો હોં. દેશદ્રોહીનો કેસ દાખલ કરી દેહે.’’
‘‘બોસ મારી પાંહે એક કરતાં અનેક દાખલા મોજૂદ છે.
તમે મને કહો કે ગીર સોમનાથના કલેકટરનો શું વાંક? ડી. સોલંકીના ગેરકાયદેસરના દબાણો હટાવી દીધાં ઈ વાંક !??
જૂનાગઢના એન. સાંગવાનનો શું વાંક? એમણે સરકારનાં મળતીયાઓના લોટ, પાણીને લાકડાં જેવાં કામો અટકાવી દીધાં એટલું જ ને. અને અતિ પછાત ગણાતાં દાહોદમાં પટેલને સાઈડલાઈન કરી દીધાં છે કેમ? તો કે દાહોદમાં એક તો કામ ઓછાં આવે. આવે એમાં ‘ય મંત્રીપુત્ર. (જેમ પંચાયતમાં સરપંચ પતિ કામ કરે છે.) એમ અહીં મંત્રીપુત્રનાં કારનામા બહાર લાવનાર, મનરેગામાં મનફાવે એમ કરનાર મંત્રીપુત્રને ખુલ્લો પાડનાર પટેલને સજાની પોસ્ટીંગ આપી દેવાઈ છે.’’
‘‘બકા, કદાચ! આ બધું હાસુ હશે. પણ, તું એ ના ભૂલીશ કે સુરતમાં બબ્બે હજાર કરોડની જમીન વેચવા માટે સહી કરનાર તો એક કલેકટર જ હતાં. ગામડાનાં ગૌચર વેચી નાખનારમાં સહી કરનાર પણ કલેકટર જ હોય ને. અરે એ બધું છોડો નાનાં નાનાં બગીચા, રમત ગમતના મેદાન, છેલ્લે મહાદેવનું મંદિરેય મૂક્યું નથી. આ બધું કલેકટરની જાણ બહાર થયું છે એમ !?? ભાઈ બકા, કાગડા બધે જ કાળા હોય છે.’’
‘‘હા પણ, મારો કાગડો, મતલબ જમાઈ ધોળો છે.
એટલે તો હું આ બધું જોઈને મારાં જમાઈ હાટું હારી જગ્યા ગોતું છું.’’