આગામી બકરી ઇદ તહેવાર નિમિત્તે પ્રાણીઓના ટ્રાન્સપોર્ટેશન સહિત વિવિધ કાનૂની જોગવાઈઓનું વિશાળ પ્રાણી હિતમાં પાલન થવા બાબત તથા એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય એનિમલ વેલ્ફેર બોર્ડની સૂચનાઓનું પાલન કરવા બાબતે હાલમાં એક રાજ્ય વ્યાપી ઝુંબેશ ચાલી રહી છે અને તંત્રના જવાબદારી ભર્યા સ્થાનો ઉપર બેઠેલા અધિકારીઓને કાયદાના કયા નિયમ અને સેક્શન હેઠળ એક્શન લેવાની છૂટ છે તે બાબત યાદ દેવડાવવામાં આવી રહી છે ત્યારે આપણે એ કાયદાઓ જાણીને છક થઈ જઈએ છીએ કે શું આવા પણ કાયદા છે? તો પછી અત્યાર સુધી તેનું પાલન કેમ નહોતું થતું?? અને અત્યારે થાય છે???
આપણે જાણીએ કે કેવા કેવા કાયદાઓ છે. બકરી ઈદના દિવસે ગાય કે ગૌવંશની કુરબાની પર કાનૂની પ્રતિબંધ છે. ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ના સેકશન-૫(૩) અનુસાર ગાય અને ગૌવંશ પ્રાણીઓની ધાર્મિક હેતુસર કતલ અથવા કુરબાની પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટે આશુતોષ લાહીરી વિ. પશ્ચિમ બંગાળના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે કે બકરી ઈદના દિવસે ગાયની કુરબાનીનો ઇસ્લામ ધર્મના પુસ્તકોમાં કોઇ જ ઉલ્લેખ નથી. તેથી આવી આ પ્રકારની કાનૂની જોગવાઈ હોવા છતાં રાજ્યમાં ગાય અને ગૌવંશની કતલ/કુરબાની આ દિવસે થાય છે તે સંપૂર્ણપણે રોકવી જોઇએ.
બકરી અને ભેંસવર્ગના પ્રાણીઓની ધાર્મિક હેતુસર કતલ/કુરબાની પર કાનૂની પ્રતિબંધ છે. ગુજરાત એનિમલ પ્રીઝર્વેશન એક્ટ-૧૯૫૪ શીડયુલમાં ભેંસ અને ભેંસવર્ગના પ્રાણીઓને (પાડો, પાડી) મૂકવામાં આવેલ છે. આ પ્રાણીઓની ધાર્મિક હેતુસર કતલ અથવા કુરબાની સેકશન-૫(૩) અનુસાર આપી શકાતી નથી અને આ વર્ગના પ્રાણીઓની કુરબાની આપવા માટે ગુજરાત એનિમલ ઇન્વક પ્રીઝર્વેશન રુલ્સ-૧૯૫૭ અન્વયે કોમ્પીટન્ટ અધિકારીનું સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. ભેંસવર્ગના પ્રાણીની ઉંમર ૧૫ વર્ષથી ઓછી હોય ત્યારે તેની કુરબાની આપવા પર ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ્સ (એમેન્ડમેન્ટ) રેલ્સ-૨૦૦૧ના રુલ-૬ માં જોગવાઈ કરવામાં આવી છે કે પ્રાણીના ટ્રાન્સપોર્ટેશન શરૂ થયા પહેલાં કોમ્પિટન્ટ અધિકારી પાસેથી પ્રાણીના ટ્રાન્સપોર્ટેશન સંબંધી તમામ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે મતલબનું સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. ગુજરાત સરકારે કોમ્પિટન્ટ અધિકારી તરીકે તાલુકાના વેટરનરી ઓફિસરને જાહેર કરેલ છે. જો આવા સર્ટિફિકેટ આરોપી પાસે ન હોય તો પોલીસે પ્રાણીઓનું ટ્રાન્સપોર્ટેશન અટકાવી આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ.
બકરી ઇદ નિમિત્તે ઘેટા, બકરા તથા પ્રાણીઓની જાહેરમાં તથા ચાર રસ્તા પર કુરબાની ન આપવા માટે ક્રિમિનલ પ્રોસીઝર કોડ-૧૯૭૩ની કલમ-૧૪૪ નીચે પ્રતિવર્ષ પોલીસ તરફથી એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ હવે ભારતીય નાગરિક સંહિતા-૨૦૨૩ની લાગુ પડતી કલમ નીચે પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું રહે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી થવી જરૂરી છે.
સ્લોટરહાઉસ રેલ્સ-૨૦૦૧ ના રુલ-૩ માં તથા ધી ફુડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેસીસ) રેગ્યુલેશન-૨૦૧૧ ના રેગ્યુલેશન-૯.૦૭ માં જોગવાઈ કરવામાં આવી છે કે માન્યતા પ્રાપ્ત કતલખાનાઓમાંથી માંસ મેળવીને જ મીટ શોપમાં તેનું વેચાણ કરી શકાય છે. એટલે કે કોઈપણ પ્રાણીની કતલ માન્યતા પ્રાપ્ત કતલખાના સિવાય કરી શકાતી નથી અને રેગ્યુલેશન-૯.૧૩ માં જોગવાઈ કરવામાં આવી છે કે ગેરકાયદે સોર્સથી અથવા સ્ટેમ્પીંગ વગરનું મેળવેલ માંસ જપ્ત થવાને અને નાશ થવાને પાત્ર બને છે. પ્રાણીઓને જ પગે ચલાવીને લઈ જવામાં આવતા હોય/ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ્સ (કુટ રેલ્સ) રેલ્સ-૨૦૦૧ ના ભંગ બદલ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. પ્રાણીઓને કુરબાની માટે લઈ જવામાં આવે છે કે કતલ માટે તે ચકાસવા કોઈ માપદંડ જાહેર થયેલ નથી. તેથી તે કતલ માટે જ લઈ જવાય છે તેવું પોલીસે અનુમાન કરવું જોઈએ. ગુજરાતમાં અત્યારે (૧) અમદાવાદ (૨) સુરતના સલાબતપુરા અને રાંદેર (૩) વડોદરા તથા (૪) રાજકોટ એમ કુલ-પ માન્યતા પ્રાપ્ત સરકારી કતલખાના કાર્યરત છે. તેથી તેમાં ઘેટા, બકરા અને પ્રાણીઓને લઇ જવામાં આવતા હોય તો બીજી બધી શરતો પૂર્ણ કરે તો જ લઇ જવાની છૂટ આપી શકાય, તે સિવાય લઇ જતા હોય તો રોકવા જોઇએ.
રાજ્યના અનેક શહેરોમાં પ્રાણીઓ ખરીદ વેચાણ માટેના બકરામંડી અથવા તો કેટલ માર્કેટ ચાલી રહેલ છે. તે ઉપરાંત બકરી ઇદ નિમિત્તે કામચલાઉ બકરામંડી પણ ચાલતી રહે છે. આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે ભારત સરકારે રેગ્યુલેશન ઓફ લાઇવસ્ટોક માર્કેટ, રુલ્સ-૨૦૧૧ પ્રસિદ્ધ કરેલ છે. જેમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે રચાયેલી ડિસ્ટ્રિક્ટ એનિમલ માર્કેટ મોનિટરિંગ કમિટી કેટલ માર્કેટને કાનૂની રજીસ્ટ્રેશન આપવાનું કામ કરે છે. રાજ્યમાં એકપણ જિલ્લામાં એકપણ કેટલ માર્કેટ/બકરામંડીને આજ સુધી રજીસ્ટ્રેશન આપવામાં આવેલ નથી. બીજા શબ્દોમાં સમગ્ર રાજ્યમાં તમામ કેટલ માર્કેટસ/બકરામંડી ગેરકાયદે ચાલી રહેલ છે. તે ઉપરાંત બકરી ઇદ નિમિત્તે શરૂ કરવામાં આવતી કામચલાઉ બકરામંડી પણ કાયદાકીય જોગવાઈ અનુસાર ગેરકાયદે ચાલી રહેલ છે તે તમામને બંધ કરાવી તેના સંચાલકો સામે કાનૂની કાર્યવાહી થવી જોઇએ તે જરૂરી છે. ઉક્ત નિયમોના ભંગ બદલ પી.સી.એ. કાયદાની કલમ ૩૮ મુજબ એન.સી. કમ્પલેન્ટ નોંધી પ્રાણીઓ પી.સી.એ. કાયદાની કલમ ૩૪ મુજબ તથા બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૫ મુજબ જપ્ત કરવા જરૂરી છે.
બકરી ઇદના દિવસોમાં કોઈ પણ પ્રાણીઓની કતલ કાયદેસરના સ્લોટરહાઉસ સિવાયના સ્થળે ન થાય તેવી લેખિત સૂચનાઓ સ્થાનિક સત્તાવાળાને આપવી અને ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ પ્રકાશિત કરવી તેવી જોગવાઈ છે. ગેરકાયદે પ્રાણીઓની હેરફેર અંગે, ગેરકાયદે કતલ માટે રાખેલ પ્રાણીઓ અંગે, પ્રાણીઓની ગેરકાયદે કતલ અંગે, કોઈપણ નાગરિકે પોતાની ઓળખ ગુપ્ત રાખી માહિતી આપવી હોય તો તે બાબત, રાજ્ય કક્ષાએ ખાસ ટેલિફોન હેલ્પલાઇન તાત્કાલિક શરૂ કરવી જરુરી છે. ( માહિતી સૌજન્ય: નેહલ કારાવદરા)