વિશ્વમાં અનેક કથા-વાર્તા યાદ રહી જાય તેવી પ્રચલિત થતી રહી છે. વાર્તાના સુક્ષ્મ તરંગો હવામાં ભળી જતા હશે. આવા અનેક પાત્રો અમર બન્યા છે. આ બધું શકય છે. નર-નારીના પ્રેમના ઝુરાપા વિશેની વાત કેમ કરવી? છતા કહેવું પડે,લખવું પડે ને બોલવું પણ પડે.
એ સમયે ગામડામાં સૌ સંપીને રહેતા. અનલગઢ નામનું નાનકડું ગામ. ચારેક હજારની વસ્તી. ગામમાં કયાંય વાદવિવાદ નહી, સૌ સંપીને રહેતા. મારા-મારીનો બનાવ આજ સુધી બન્યો ન હતો. આવા ગામમાં એક દિવસ એક સાધુનું આગમન થયું. સાધુ એટલે સાધુ, દેખાવે પ્રતિભાવંત, સ્વભાવે શાંત, કુલીન અને રાત પડે સીમભણી ચાલ્યો જાય. અવાવરું જગ્યાએ રાત આખી ધ્યાનિષ્ઠ રહે. તેનો વેશ સાવ સાદો, સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભો. માથાના વાળ મોટા પણ જરાય નહી, એમ જ ખુલ્લા! તિલક,ચાલ્લા કે બીજા કોઈ નખરા નહી. ગળામાં કોઈ સંપ્રદાયની માળા કે કંઠી નહી. તેના ખભા પર એક બગલથેલો લટકતો. તેના ચહેરા પર એક અનુપમ આભા વર્તુળાકારે ફરતી રહેતી હોય તેવો ભાસ થતો. આ પ્રતિભાવંત આભા જ તેનું મુખ્ય આકર્ષણ હતું.
આ સાધુને જાઈ અનલગઢના ગ્રામજનોને આશ્ચર્ય થયું. ગામના ચોરે બેસવા માટે સૌએ આગ્રહ કર્યો પણ આ સાધુ ત્યાં ન બેઠો. આગળ આગળ ચાલ્યો ને અંતે વિશ્વંભરદાદાના તોતિંગ ગઢ જેવા મોટા દરવાજે તે ઉભો રહ્યો. એ સમયે દરવાજાની ખુલ્લી બારીમાંથી વિશ્વંભરદાદાની નજરે આ વિચિત્ર સાધુ દેખાયો કે તરત જ દાદા ઉભા થયા ને દરવાજા પાસે આવ્યા. દાદાએ પૂછયું ઃ‘મહાદેવ…બાબા!’ પરંતુ સાધુએ કશો ઉત્તર ન આપ્યો. એટલે, ‘કોઈ ટેલ છે કે કંઈક માંગ છે…..બાબા? જમવું છે?’ દાદાએ વળી પૂછયું. ત્યાં તો એ સાધુ દરવાજા પાસે ઓટલા પર બેસી ગયા. દાદા સમજી ગયા કે એને જમવું છે, પણ વ્યક્ત નથી કરતા.
વિશ્વભરદાદા અંદર ગયા ને થોડી જ વારમાં જમવાની સામગ્રી લઈ આવી બાબા સામે ધરી. બાબા સાધુએ પોતાના બગલથેલામાં બધુ મૂકયું ને ઉભા થઈ તોતિંગ દરવાજા સામે કંઈક વિચિત્ર દષ્ટિ કરી બોલ્યાઃ
‘તેરી બંસી બંસરી બજાયેગી, વો તો ચલી જાયેગી ઔર એક દિન ફિર વાપસ આયેગી. ઉસકા નામ અમર હો જાયેગા…. અમર હો જાયેગા.’ આટલું અસ્પષ્ટ બોલી એ સાધુ ચાલ્યા ગયા. ચાલ્યા જતા સાધુને વિશ્વંભરદાદા ફાટી આંખે જાઈ રહ્યા. પછી, આ સાધુએ બોલેલા શબ્દોને વાગોળતા વાગોળતા વિશ્વંભરદાદા ફરી હીંચકે બેઠા. મનોમન બબડયાઃ “જે હોય તે….ખાવાનું ખાશે તો ખરો, ભૂખ ભાંગશે તેની….મહાદેવ! એ આખી રાત દાદાને સાધુ જ યાદ આવ્યે રાખ્યા. વિચાર્યું પણ ખરુ કે, આ સાધુ આ અનલગઢમાં આવ્યા કયાંથી? બીજા દિવસે તપાસ કરી તો સાધુ ગાયબ…
આવા આ અનલગઢમાં સાત ધોરણ સુધીની શાળા. માત્ર ત્રણ શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય ચાલતું. પટેલોની વસ્તી વધારે. બ્રાહ્મણ ને બાવાજીના બે-ચાર ખોરડા. આમ તો કોળી, કુંભાર, ભરવાડને વાણિયાના ખોરડાં પર ખરા, પરંતુ ગામમાં રહેતા સૌને ઓછે-વત્તે અંશે જમીન તો હતી જ. એમાં વિશ્વંભરદાદાનું ઘર ગરીબો માટે પ્રખ્યાત હતું. વિશ્વંભરદાદાના વિશાળ ફળિયે મહાદેવ અને દેવી-દેવતાઓના મંત્રજાપ ચાલુ જ હોય. દાદાનું ખોળિયું પવિત્ર હતું, બ્રહ્મત્વ તેમને વરેલું હતું. નવચંડી યજ્ઞ, ભાગવત કથા અને બાળભોજન હંમેશા આ ફળીમાં થતા રહેતા. વિશ્વંભરના પત્ની મદાલસાબા પણ સાક્ષાત દેવીનો અવતાર! ધોળા ફૂલ જેવો વાન. ધર્મની ધરોહર પકડી સદૈવ ધૂનકિર્તન કરતા. ધર્મજ્ઞાન, ધર્મસભા, સત્યનારાયણની કથા, જાપ અને કીર્તનમાંથી આ કુટુંબને સારી આવક થતી. ગામ લોકો હક્ક સાથે ને હોંશે હોંશે દાનદક્ષિણા આપતા.
વિશ્વંભરદાદાને સાઠ વીઘા જમીન પણ હતી. આ જમીન તેઓ ભાગમાં વાવવા માટે આપી દેતા. તેઓ તો ધર્મકાર્યમાંથી નવરા જ ન થતા… વિશ્વંભરદાદા અને મદાલસાનું ઉજળું સંતાન એટલે બંસી. બ્રહ્મકુળમાં જન્મેલી બંસી….અહાહા શું તેનું રૂપ, તેનું માધુર્ય. ખરેખર કોઈ શાપિત અપ્સરા જેવું હતું. વળી દરેક કામમાં નિપૂણ. હવે બંસી આજે અઢાર વર્ષની થઈ. પુત્રની ખોટ આ બંસીએ માર-બાપને પડવા ન દીધી. બધુ જ કામ…માથે ઉપાડી લેતી.(ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા