તેનું ભરાવદાર મુખકમળ કયારે હસે, સ્મિત કરે કે કરશે એવું સામેવાળાનું થતું રહેતું. તેના નાજુક હાથ ને તેની આંગળીઓના કલાત્મક મરોડ કંઈક અનોખા જ હતા. તેનું ઉપસું ઉપસું થતું યૌવન નજરને પણ નજર લગાડે તેવું હતું. પાતળી કમર, એ કમરના વળાંક તેની સુંદરતાને ખૂબ જ દીપાવી ઉઠતા હતા. પાતળા પણ કેળના સ્તંભ જેવા પગ, ગુલાબી પાનીઓ…એની રૂમઝૂમ-રૂમઝૂમ ચાલ. થાપા સુધી પહોંચતા કાળા ભમ્મર તેના વાળ! આ લાંબા ને ઘટ્ટ ભરાવદાર વાળ બંસીને એટલા બધા શોભતા કે ન પૂછો વાત. આવુ હતું બંસીનું ઐશ્વર્ય. કદાચ, સિને જગતની નટી ઐશ્વર્યા રાય જ જાઈ લો.
બંસી……બંસી…બંસી..! રૂપના ખજાના સરખી આ મનભાવન છોકરી તેના અબોટ યૌવન થકી ખૂબ જ તરવરાટભરી ભાસતી હતી. સાચુકલું બ્રાહ્મણનું-બ્રહ્મત્વનું તેજ તેના ચહેરા ફરતે વલયાકારે વિસ્તરી રહેલું દેખાતું.
દર્શનસિંહ..આવી આ તેજામય આકૃતિને તેની નજર સામે બંધ આંખોએ જાણે કે નીરખી રહ્યો હતો. પછી વિચાર કરવા લાગ્યો ઃ બાપુ ભગીરથસિંહ બંસીને પુત્રવધુના રૂપે સ્વીકાર કરશે?! પહાડ જેવો મોટો પ્રશ્ન, મનોમન કંઈક વિચારી અંતે સ્વગત બબડયો ઃ બાપુ ભગીરથસિંહ આ સંબંધ ન જ સ્વીકારે, દરબાર ખરા ને! એક બ્રાહ્મણ કન્યાને પોતાના પુત્રની વહુના રૂપમાં તે જાઈ પણ ન શકે, વિચારી પણ ન શકે. તો પછી સ્વીકારવાની વાત જ કયાં આવી. દરબારની ખાનદાની દરબાર કુળમાં જ શોભે. ને દરબારની દીકરી…. દરબારગઢમાં જ શોભે, બ્રાહ્મણ કન્યા નહી.
આવા ઘણા વિચારો સપનાની જેમ આવ્યા ને ચાલ્યા ગયા. સવારના સાડાનવ થયા. બધા વિચારોને એકબાજુ પડતા મૂકી દર્શનસિંહ ખેતરે જવા માટે તૈયાર થવા લાગ્યો. તેનો માનીતો ઘોડો તો રાહ જાઈને જ ઉભો હતો કે કયારે કુંવર આવે! રૂમમાંથી બહાર આવીને પછી ગઢના તોતિંગ દરવાજામાંથી, ઘોડો પલાણી દર્શનસિંહ બહાર રસ્તે ચડયો. ગામ સોંસરવા નીકળીને તેણે ખેતરની કેડી પકડી.
આ તરફ બંસીએ સ્નાન કરી કપડા બદલ્યા ને પછી તૈયાર થઈ મદાલસા બા સામે ઉભી.મદાલસા બા નજર ઉંચી કરી દીકરી સામે જાતા બોલ્યાઃ‘‘તારે જે કામ કરવું હોય તે કર. અહીં કઈ કામ નથી. મારે પૂજામાં બેસવું છે. તારા બાપુ હવનમાં છે ને મોડા આવશે. બપોરે આપણે બેને જ ખાવાનું છે. એટલે એ પ્રમાણે રાંધજે…’’
‘‘હજી તો નવ થયા છે. બાર પહેલા હું આવી જઈશ. ખેતરે એક આંટો મારી લઉ તો?’’ બંસીએ લગભગ આજીજી સાથે રજા માંગી લીધી.
‘‘ તારા બાપુને તું ખેતરે જા છો તે…..હમણાથી ગમતું નથી. મારું માનવું છે કે ન જા તો સારુ…..’’ ‘‘બાપુ અત્યારે ઘરે નથી. એ હાજર હશે ત્યારે હવે પછી તેને પૂછીને જ જઈશ. પણ અત્યારે તો તું મને જવા દે. ને હા, ખેતરે જવું પડે બા…! ખેતરના રખેવાળ કે ભાગીદાર પર આંધળો વિશ્વાસ ન રખાય. જા ખેતરે ન જઈએ તો રખેવાળ કયાંક બીજે રખડે……ને આપણી નીરણ-પાકને રખડું ઢોર ચરી જાય.’’ બંસીએ આવી કરેલી દલીલથી બાએ તરત જ કહ્યુંઃ
‘‘જા, તું તારે જા. તારા પર કયા આભ ફાટી પડવાનું છે. પરંતુ જા જે સાચવીને જજે. આપણા કુળની શાખ, મર્યાદા, માન ને મોભો ચારિત્ર્યથી જ શોભે છે.
તારા ચારિત્ર્યની સમજણ તારામાં ભરી પડી છે. મારે વધારે કાંઈ કહેવુ નથી. શિખામણ અબુધને અપાય, તને નહી. તું જા તો ખાટી છાશનું દેગડુ લેતી જજે. બચારા મજૂરોને છાશ વધાર વ્હાલી હોય છે…….’’ બા આટલું બોલ્યા કે તરત જ સ્મિત સાથે બંસીએ કહ્યું ઃ
‘‘હું છાશનું દેગડુ લેતી જઈશ બા, મારી ચિંતા ન કરતા. બપોરના બાર પહેલા હું ઘરે આવી જઈશ…..’’ આટલુ બોલી બંસી મનમાં કંઈક નિશ્ચય કરી ચાલવા લાગી.
(ક્રમશઃ)