નિરાશ થઈ તે ખાટલામાં જ બેઠી બેઠી રૂમમાં નજર ફેરવવા લાગી. દિવસ ઉગવાને હવે થોડી જ વાર હતી. અત્યારે આવેલ સપનાએ બંસીને છાનીમાની રડાવી તો ખરી જ, અંતે બંસીએ આશા છોડી. આળસ ખંખેરી તે બેઠી થઈ. ઓરડામાં સામે જ ગોઠવાયેલ નકશીકામથી આવરી લેવાયેલ સીસમના લાકડામાંથી બનાવેલ કબાટના અરીસામાં તેણે તેનો ચહેરો જાયો. થોડા આંસુ ફરી ખર્યા. પરંતુ હવે કરવું શું?
ઓરડામાંથી એ બહાર નીકળી વિશાળ ફળિયામાં આવી ઉભી. ચારે બાજુ નજર ફેરવીને તે રસોડા તરફ ફરી. પાણિયારાના માટીના ગોળાને ઘસી ઘસી વિછળ્યા. નવું ને તાજુ પાણી ભરી યોગ્ય સ્થાને ગોઠવ્યા. પાણિયારું સાફ-સુથરૂ થયું. જર્મન, પિત્તળ ને કાંસાના લોટા-પ્યાલાને પણ ઉજાળ્યા. દિવસ ઉગતા પહેલા આ કાર્ય કરવામાં આવે તો ઘરમાં રિધ્ધિ -સિધ્ધિ આવે એવું દાદા કહેતા.
આ બધુ કામ પત્યું પછી હાથમાં સાવરણો પકડયો. મોટા ફળિયાને વાળવા મંડી એ સમયે સૂર્યના સોનેરી કિરણો ચમકવા લાગ્યા હતા. ત્યાં જ દાદા તેના ઓરડામાંથી સાધન-સામગ્રીના થેલા સાથે બહાર નીકળ્યા. કારણ કે, આજે એક યજમાનને ત્યાં હવન વિધિ કરવાની હતી. બહાર નીકળતા દાદાએ જાયું તો દીકરી ફળિયાને-આંગણાને ચોખ્ખુ-ચણાક કરવામાં મંડાઈ પડી હતી. આ સમયે બંસીનું ધ્યાન દાદા તરફ ન હતું પરંતુ દાદાએ હળવેકથી અવાજ કરી કહ્યું ઃ ‘‘બંસી…, જરા અહી આવ, આ બે ત્રણ થેલીઓ હીંચકા પર મૂકી દે….’’
દાદાના શબ્દો કાને પડવા બંસીએ તરત જ સાવરણો પડતો મૂકયો. ચાલીને દાદાએ ઓસરીની કોરે મૂકેલી થેલીઓ લઈ હીંચકા પર મૂકી. ત્યાં તો દાદા પણ હીંચકા પાસે આવી પહોંચ્યા. બંસીએ પૂછી લીધુંઃ ‘‘ હવન વિધિ કેટલા વાગે પૂરી થશે……બાપુ? ‘‘નક્કી કંઈ કહેવાય નહી. સાંજના પાંચ-છ તો વાગશે જ કદાચ અંધારુ પણ થઈ જાય…..’’ દાદાએ જવાબમાં કહ્યું.
બંસીએ તેનું ડોકુ હકારમાં હલાવ્યું. કશુ બોલી નહી. ફરીથી સાવરણો પક્ડી તે અધૂરુ કામ પૂરુ કરવામાં લાગી ગઈ. બધુ વાસી કામ પૂરુ કર્યા પછી નાહવાનું, પૂજાપાઠ વગેરે કરવાનું…..એવો નિયમ આ ઘરનો હતો.
બંસી નાહવા માટે તૈયાર થઈ. મદાલસાબા નાહી પરવારી બાથરૂમમાંથી બહાર નીકળતા દીકરીને સામે ઉભેલી જાઈ બોલ્યાં ઃ ‘‘ ઓમ નમઃ શિવાય’’ એટલે બંસીએ પણ ‘‘ઓમ નમઃ શિવાય’’નું ઉચ્ચારણ કર્યું. આ જ તો આ કુંટુંબના પાયાના સંસ્કાર હતા. હા, સંસ્કારથી જ કુંટુંબ સારી રીતે શોભે છે.
બા…તો સીધા જ પૂજાખંડમાં ચાલ્યા ગયા. બંસીએ સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. સ્નાનગૃહ એક એવી જગ્યા કે સ્થળ છે જયાં માણસ પોતાના સીવાય કોઈને ભાળતો નથી. અને બીજુ કોઈ અંદરની વ્યક્તિને દેખી શકતું નથી. માનવીનો આ માત્ર ખ્યાલ છે. બાકી ઉપરવાળો તો બધે જ જાઈ શકે છે. સર્વવ્યાપી છે તે.
બંસી સ્નાન માટે તૈયાર થઈ. તેના અંગ ઉપરથી એક પછી એક વસ્ત્ર ધીમે ધીમે ઉતરવા લાગ્યા. નાહવું એ દૈનિક ક્રિયા છે પણ…બંસીને તો લાંબા સમય સુધી નાહવું ખૂબ ગમતું. પાણીની વાછટ કે પાણીની ઉતાવળી છાલકથી તેનું તનબદન ખીલી ઉઠતું. એટલે આવી અનેક ક્રિયાઓ જળના સાનિધ્યમાં બંસીએ કરી. રાતભરની રુદનક્રિયાથી સૂજી ગયેલ મોં પર ચીકણા-લીસા સાબુથી ખાસ્સીવાર મસાજ થતા સમગ્ર સૂજન ઓગળી ગઈ.(ક્રમશઃ)