મરવા માટે પણ વિચાર કરી લીધો. છતાં આવી દુઃખદ રમતના અંતે બંસીને પોતાનો પ્રેમ નજરે દેખાયો. દર્શનસિંહના દર્શન તેને થયા. ને આવું થતા…..બધુ દુઃખ ગાયબ!
બંસી રડી રડીને થાકી, આંખો વધુ લાલઘુમ થઈ, હાથ-પગમાં તૂટ થવા લાગી, ચહેરા પર અને આંખો પર સોજા આવ્યો, ઉંઘ હરામ થઈ. અચાનક તેના દિલમાં એક શેરડો ચકરાયો. ઝબકીને આંચકા સાથે તે ખાટલામાંથી બેઠી થઈ ચાલવા લાગી. ચાલીને સીસમના લાકડામાં સુંદર નકશીકામ કરેલ જૂના જમાનાની એક નાનકડી પેટી પાસે પહોચી. ધીમેથી તેણે એ પેટી ખોલી, પેટીમાં સોનાના દાગીના હતા. પણ આ દાગીનાની તેને અત્યારે જરૂર ન હતી. આ દાગીનાઓથી પણ વધુ કિંમતી આભૂષણ એટલે અંદર રહેલી એક તસવીરની હતી.
ઘોડા ઉપર સવાર દર્શનસિંહની તસવીર! આ તસવીર બંસીએ હાથે ઉંચકીને બહાર કાઢી, તસવીર સામે જાતા જ બંસી હચમચી ઉઠી…….ધ્રૂજી ઉઠી. તરત જ તેના હોઠ ફફડયા ને સ્વગત બોલીઃ ‘દર્શન, આટલી મોડી રાતે હું તારા દર્શન કરી રહી છું. તું મારો છે…..દર્શન! મારો પ્રેમ …મારુ સર્વસ્વ! જા..જા….., તારી બંસી રડે છે. શા માટે? બસ,હવે તું મને સઘળા બંધનમાંથી મુકત કરી તારા બંધનમાં બાંધી લે…..દર્શન!’ આવું બબડતા બબડતા ચાલીને ખાટલામાં ચતીપાટ પડી રહી બંસી…….કયાંય સુધી અંતે.
બંસીએ પોતાની છાતી સાથે એ તસવીરને ચસોચસ દબાવી કયાંય સુધી રડયા કર્યું. મોડી રાતે તેને ઉંઘ આવી પણ આંખોના પોપચાં તો સવાર સુધી ધ્રુજતા જ રહ્યા. આખા વિશ્વના ફલક પર ઘટતી ઘટના જાણે કે તેના નેત્રમાં ઘુસવા તત્પર બની હતી જાણે! પછી તો સોનેરી સપનામાં સ્વયંને હિલોળે ચડાવી તે સંતાકૂકડીની રમત રમવા લાગી. ચોમેર ધૂમ્રશેરો જાણે છવાઈ રહી, બધુ જ ઝાંખુ ઝાંખુ દેખાતું હતું. વિચારોમાં ખોવાયેલી બંસી કાન સરવા કરીને એકચિત્તે કશોક અવાજ ઉંડેથી આવતો હોય એવું અનુભવી રહી. ત્યાં તો સાચે જ ઘોડાના ચાલવાના ડાબલાનો તબડક તબડક અવાજ નજીક આવવા લાગ્યો. આ અવાજ સાંભળવાથી બંસી હસી…મનોમન હસી કારણ કે, આવનાર ઘોડાના પગલાનો અવાજ પારખનાર એક માત્ર પોતે જ હતી ને ઘોડાનો અસવાર બીજા કોઈ નહી પણ દર્શનસિંહ જ હોય એ પણ નક્કી જ.
ખરેખર થોડી ક્ષણોમાં જ ધૂમ્રશેરોની વચ્ચે એક યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો. બંસી જ્યાં રાહ જાઈ ઉભી હતી ત્યાં આવીને તે યુવાન ઉભો રહ્યો. થોડી ક્ષણે પરમ મિત્રવાળું વર્તુળ રચાયું અને પછી ગોળાકારે પ્રણયનું મેઘધનુષ રચાયું. પછી પ્રેમતત્વના મહાન અંશો એ વર્તુળમાં જાણે પીગળી ગયા. ન બંસી કશું બોલી કે ન દર્શનસિંહ કશું બોલ્યો. જડવત બેઉં એમ જ ખાસ્સા સમય સુધી ઉભા રહ્યા. ત્યારે આવી અકળ પરિÂસ્થતિમાં મૌન પણ અકળાવા લાગ્યું હતું.
શબ્દોની તાકાતની પણ મર્યાદા હોય છે. અમુક વાત શબ્દોથી શબ્દાંકન ન કરી શકાય, વર્ણન ન કરી શકાય. એ ક્ષણ એવી મહાન હોય છે કે આખું જીવતર ટૂંકુ પડે. પ્રેમની મહાનતાને કોણ પામી શકે? કોણ માપી શકે?
અતિ ગાઢ પ્રેમમાં ચકચૂર બંસી-દર્શનસિંહ ગળાડૂબ હતા. પણ આ નિયતિ શું ધારી બેઠી હશે! કહેવાય છે કે, પ્રેમમાં માત્ર ને માત્ર ઝૂરાપો જ મળે છે ને તે પણ ભવભવનો! આ જન્મમાં કોઈ અધૂરપ રહે તે નવા જન્મમાં ભોગવવી પડે. તો પણ આવો મીઠો ઝૂરાપો વેઠવા પ્રેમમાં પાગલ પ્રેમીઓનો અગણિત સિલસિલો ચાલુ જ છે ને ચાલુ જ રહેશે.
ધીમે ધીમે ધૂમ્રશેરો ઘટવા લાગી. વાતાવરણ શુધ્ધ અને ચોખ્ખુ થવા લાગ્યું. બંસીની આંખ સામે દર્શનસિંહની જે તસવીર હતી તે એકાએક અલોપ થઈ! આવેલું સુખ ક્ષણમાં ગાયબ થયું. એટલે બંસીએ પોતાના બંન્ને હાથની હથેળીઓ વતી આંખો ચોળી…..પણ કશું દેખાયું નહી.(ક્રમશઃ)