કોરોના મહામારીને કારણે લાંબા સમયથી સિનેમાઘરો બંધ હતા. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ફરીથી સિનેમાઘરો શરુ કરવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. લોકડાઉન પછી સૌથી પહેલી ફિલ્મ રોહિત શેટ્ટીની સૂર્યવંશી રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભુમિકામાં છે. સૂર્યવંશીએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ તેના પછી રીલિઝ થયેલી બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ છે. બન્ટી ઔર બબલી ૨ અને સત્યમેવ જયતે ૨ બન્ને ફિલ્મો હાંફી ગઈ છે. બન્ટી ઔર બબલી ૨ ૧૯મી નવેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રાણી મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. ૨૦૦૫માં રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મની આ સિક્વલને દર્શકોનો પ્રેમ ઘણો ઓછો મળ્યો છે. આદિત્ય ચોપરાના બેનર વાળી આ ફિલ્મના ડિરેક્ટર વરુણ વી શર્મા છે. ૧૯ નવેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ પાસેથી આશા હતી કે તે ૨૦૦૫ વાળી ફિલ્મની જેમ જ દર્શકોને ખુશ કરશે. પરંતુ આમ થઈ ના શક્યું. રસપ્રદ વાત એ છે કે બન્ટી ઔર બબલીએ પહેલા જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર ૧૪.૩૨ કરોડ રુપિયાનો બિઝનસ કર્યો હતો. પરંતુ ૧૬ વર્ષ પછી બન્ટી ઔર બબલી ૨એ બોક્સ ઓફિસ પર પ્રથમ અઠવાડિયામાં ઓરિજીનલ ફિલ્મ જેટલી કમાણી પણ નથી કરી. બન્ટી ઔર બબલી ૨નો ઓપનિંગ ડેનો બિઝનસ ૨.૬૦ કરોડ રુપિયા હતો. પહેલી વીકેન્ડ પર ફિલ્મે ૮.૩૦ કરોડ રુપિયા કમાણી કરી છે. પહેલા અઠવાડિયાના અંત સુધી ફિલ્મની કમાણી માત્ર ૧૧.૧૫ કરોડ રુપિયા હતી. બીજા અઠવાડિયામાં ફિલ્મની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. ટુંકમાં કહી શકાય કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. માર્કેટ એક્સપર્ટ્‌સનું અનુમાન હતું કે બન્ટી ઔર બબલી ૨ પહેલા દિવસે ૪-૫ કરોડ રુપિયાનો બિઝનસ કરશે. પરંતુ ફિલ્મે પહેલા જ દિવસે નિરાશ કર્યા. ફિલ્મની નબળી વાર્તા અને લીડમાં અભિષેક-રાણીના સ્થાને સૈફ-રાણી હોવાને એક કારણ માનવામાં આવે છે. બીજું એક કારણ એ પણ છે કે બોક્સ ઓફિસ પર સૂર્યવંશીએ ફિલ્મને ટક્કર આપી છે.