સત્તાની સેમી ફાઈનલમાં કોણ જીતશે ?
ભારતમાં કેન્દ્રમાં સત્તાની સેમી ફાઈનલ મનાતી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના કારણે રાજકીય રીતે ગરમીનો માહોલ છે. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠક, આસામમાં ૧૨૦, કેરળમાં ૧૪૦, તમિલનાડુ ૨૩૪ અને પુડ્ડુચેરીમાં ૩૦ બેઠકો મળીને કુલ ૯૦૪ બેઠકો છે. આ પૈકી કેરળ, આસામ અને પુડુચેરીમાં તો મતદાન પણ પતી ગયું. આ ત્રણેય રાજ્યોમાં પરંપરાગત રીતે જ ઉંચું મતદાન થાય છે અને ૮૦ ટકાથી વધારે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરે છે. આ વખતે ત્રણેય રાજ્યોમાં છેલ્લી ચૂંટણીથી બે ટકા જેટલું ઉંચું મતદાન થયું છે તેથી રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. હવે તમિલનાડુમાં ૨૩ એપ્રિલે અને પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ તથા ૨૯ એપ્રિલે મતદાન છે. આ પાંચેય રાજ્યોના પરિણામો ૪ મેએ જાહેર થશે.
આ પાંચ રાજ્યોએ રાજકીય ઉત્તેજના પેદા કરી તેનું કારણ એ છે કે,ત્રણ રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે. આ રાજ્યોમાં જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે પણ સફળતા નથી મળતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને કેરળમાં પિનારાયી વિજયને ભાજપ વિરોધનો ઝંડો ઉંચો રાખ્યો છે. આ પૈકી સ્ટાલિનને હરાવવા ભાજપે એઆઈએડીએમકે સાથે જોડાણ કર્યું છે જ્યારે મમતા બેનરજીને હરાવવા ભાજપે પોતાના ધુરંધરોને મેદાનમાં ઉતારી દીધા છે. સામે મમતા પણ સળંગ ચોથી ટર્મ જીતીને ઈતિહાસ રચવા મરણિયાં બન્યાં છે તેથી પશ્ચિમ બંગાળનો ચૂંટણી જંગ લોકસભાની ચૂંટણી કરતાં પણ વધારે રોમાંચક છે.

બંગાળમાં ભાજપ અંતે જીતશે કે ઈતિહાસનું પુનરાવર્તન થશે ?
આખા દેશની નજર અત્યારે પશ્ચિમ બંગાળ પર છે. ભાજપે બંગાળનો ગઢ જીતવા પૂરી તાકાત લગાવી દીધી છે અને હિંદુત્વને કોરાણે મૂકીને રેવડીનું રાજકારણ રમવા માંડ્‌યું છે. મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૂપિયાની સહાય આપવા સહિતનાં વચનો ભાજપે પોતાના સંકલ્પપત્રમાં આપ્યાં છે. ભાજપે ‘સોનાર બાંગ્લા’ના વિઝન સાથેના ભરોસા પત્ર (સંકલ્પપત્ર)માં Development, Dignity, Decisive Action એમ ‘ટ્રિપલ D’ની ફોર્મ્યુલા ઉપરાંત પશ્ચિમ બંગાળના પુનઃનિર્માણના ૧૫ મુદ્દા પર મુખ્ય ભાર મૂક્યો છે. ભાજપે દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં રેવડીનું રાજકારણ રમીને જીત મેળવી હતી. હવે મમતા સામે આ દાવ ચાલે છે કે નહીં તેની કસોટી છે.
ભાજપે મમતા સામે રેવડીનું રાજકારણ રમવાનું નક્કી કર્યું તેનું કારણ છેલ્લી બે ચૂંટણીમાં ઉગ્ર હિંદુત્વને મળેલો જાકારો છે. બંગાળમાં ભાજપે મુસ્લિમ તુષ્ટિકરણ સહિતના મુદ્દા ઉગ્રતાથી ઉઠાવ્યા પણ બંગાળીઓએ આ મુદ્દાને નકાર્યા તેથી હવે ભાજપ સીધાં નાણાં જમા કરાવવાનો દાવ ખેલી નાંખ્યો છે. ભાજપને આશા છે કે, બીજાં રાજ્યોની જેમ બંગાળમાં પણ આ દાવ ચાલી જશે જ્યારે મમતા બંગાળીઓના આત્મગૌરવના મુદ્દા પર મુશ્તાક છે. બંગાળમાં ભાજપ વર્સીસ મમતા બેનરજીનો જંગમાં કોંગ્રેસ ડાબેરીઓના સહારે ફરી બેઠી થવા મથે છે પણ તેનો મેળ પડવાનો નથી.

કોંગ્રેસ બંગાળમાં ચિત્રમાં નથી પણ આસામ, કેરળ અને પુડુચેરીમાં સત્તા માટે આશાવાદી છે.
આસામ, કેરળમાં કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે ને સત્તામાં આવવાનો દાવેદાર મનાય છે. આસામ અને કેરળ બંનેમાં મુસ્લિમ મતદારોની સંખ્યા બહુ મોટી છે તેથી કોંગ્રેસને બંને રાજ્યોમાં સત્તા પર આવવાની આશા છે. કેરળમાં તો લોકસભાની ચૂંટણીમાં કરેલા શાનદાર દેખાવના કારણે કોંગ્રેસ બહુ ઉત્સાહમાં છે ને કોંગ્રેસ નેતાગીરીએ કેરળ પર જ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આસામમાં ભાજપ છેલ્લી બે ચૂંટણીમાં જીતેલ તેથી ૧૦ વર્ષે એન્ટિ-ઈન્કમ્બન્સીના કારણે પોતાને સત્તા મળશે એવી કોંગ્રેસ આશા રાખી રહી છે.
કોંગ્રેસ કેરળમાં જીતશે તો તેની તાકાત વધશે . કોંગ્રેસે કેરળમાં જીતવા માટે કશું ખાસ કર્યું નથી પણ સંજોગો એમ જ તેની તરફેણમાં ઉભા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કેરળમાં ભાજપ ચિત્રમાં નથી. કેરળમાં હિંદુઓની બહુમતી છે પણ ભાજપનું હિંદુત્વ કેરળની શિક્ષિત પ્રજાને માફક નથી આવતું. કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ પૈકી મુસ્લિમો કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે વહેંચાઈ જાય છે જ્યાકે ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે રહે છે. હિંદુઓમાં મોટો સેક્યુલર વર્ગ ડાબેરીઓ સાથે રહે છે તેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ મોટી સંખ્યામાં હોવા છતાં ભાજપ જીતતો નથી. લોકસભાની ચૂંટણીમાં એક્ટર સુરેશ ગોપીએ ભાજપની ટિકિટ પર જીતીને ઈતિહાસ રચેલો પણ તેમાં ગોપીની લોકપ્રિયતાનું યોગદાન હતું, ભાજપનું નહીં. કોંગ્રેસ માટે તમિલનાડુમાં સાનુકૂળ સંજોગો છે. તમિલનાડુમાં ડીએમકે સાથે તેની ભાગીદારી છે ને ડીએમકે જોરમાં છે તેથી કોંગ્રેસ-ડીએમકેની સરકાર બનશે એવું લાગે છે. ભાજપે એઆઈએડીએમકે સાથે જોડાણ કર્ડીયું ને ફિલ્મ સ્ટાર વિજયની પાર્ટી પણ મેદાનમાં છે પણ ડીએમકે બહુ તાકાતવર છે તેથી વાંધો નહીં આવે.

કેરળમાં ડાબેરીઓનું શું થશે ?
ભાજપના મમતા બેનરજી સામેના હાઈ પ્રોફાઈલ જંગના કારણે ડાબેરીઓ તરફ કોઈનું ધ્યાન જ જતું નથી પણ આ ચૂંટણી ડાબેરીઓ માટે અસ્તિત્વનો જંગ છે.
એક સમયે દેશનાં ત્રણ મહત્વનાં રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં સરકાર ધરાવતા ડાબેરીઓ પાસે હવે કેરળ જ બચ્યું છે. કેરળમાં સીપીએમના નેતૃત્વ બેઠળના ડાબેરી મોરચા લેફ્‌ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ના પિનારાયી વિજયન મુખ્યમંત્રી છે.
લેફ્‌ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)માં આઠ પક્ષ છે. સીપીઆઈ અને સીપીએમ એ બે મુખ્ય ડાબેરી પક્ષો ઉપરાંત એનસીપી, જનતા દળ (એસ) સહિતના પક્ષો આ મોરચામાં છે. કેરળમાં એકવાર કોંગ્રેસના તો એકવાર સીપીએમના હાથમાં સત્તા આવ્યા કરતી પણ વિજયને ૨૦૨૧માં ડાબેરીઓને સળંગ બીજીવાર જીતાડીને ઈતિહાસ રચ્યો હતો. કેરળમાં પોતાના પક્ષને સળંગ બીજીવાર જીતાડનારા વિજયન પહેલા ડાબેરી મુખ્યમંત્રી બન્યા હતા.
હવે ૫ વર્ષ પછી ફરી સીપીએમના પિયાનારી વિજયનની કસોટી છે. ડાબેરી મોરચો કેરળમાં ૨૦૧૬થી સત્તામાં છે અને હવે સળંગ ત્રીજીવાર જીતશે તો નવો ઈતિહાસ રચાશે પણ અત્યારના વરતારાને જોતાં વિજયન માટે જીત અઘરી લાગી રહી છે. ૧૦ વર્ષના શાસનમાં વિજયને પરિવારવાદ અને ભ્રષ્ટાચારને ભરપૂર પોષ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવાણીના આક્ષેપોને કારણે વિજયનનું નામ પણ ખરડાયેલું છે. અંગત પ્રતિષ્ઠાનું ધોવાણ અને એન્ટિ ઈન્કમ્બન્સી સામે લડી રહેલા વિજયન કોંગ્રેસને જીતતાં નહીં રોકી શકે એવી આગાહીઓ થઈ રહી છે.

કેરળમાં નહીં જીતે તો ડાબેરીઓ સાફ થઈ જશે.
ભારતના રાજકારણમાં ડાબેરીઓ મહત્વના નથી પણ સવાલ એક સદીથી ભારતમાં અસ્તિત્વ ધરાવતી વિચારધારાનો છે કેમ કે ભારતમાં સામ્યવાદ અંગ્રેજોના વખતમાં જ આવી ગયેલો અને આઝાદી પછી સામ્યવાદ મજબૂત થયો. સામ્યવાદીઓને સૌથી વધારે પ્રતિસાદ બંગાળમાં મળ્યો કેમ કે બંગાળમાં જમીનદારોનું શોષણ વધારે હતું. કોલકાત્તા પહેલાં બ્રિટિશ ઈન્ડિયાની રાજધાની હોવાથી સામ્યવાદીઓનાં યુનિયનો મજબૂત હતાં. સામ્યવાદીઓએ ખેતમજૂરોને એકઠા કરીને જમીનદારો સામે મોરચો માંડ્‌યો પછી તેની લોકપ્રિયતા ગ્રામીણ બંગાળમાં પણ વધી. નકસલવાદી ચળવળના કારણે બંગાળમાં ડાબેરીઓએ ખિલા ઠોકી દીધા અને સત્તા કબજે કરી પછી બંગાળમાં ડાબેરીઓ એવા જીમા ગયેલા કે તેમને કોઈ ઉખાડી નહીં શકે એવું લાગતું હતું.
પશ્ચિમ બંગાળ પછી ત્રિપુરામાં પણ ડાબેરીઓએ પગ પેસારો કર્યો અને પછી કેરળમાં વર્ચસ્વ જમાવ્યું. બંગાળમાં ૧૯૭૭માં, ત્રિપુરામાં ૧૯૭૮માં અને કેરળમાં ૧૯૮૦માં પહેલી ડાબેરી સરકારો રચાઈ હતી. આ ત્રણ રાજ્યોના જોરે ડાબેરીઓ દેશના રાજકારણમાં પણ ધાર્યું કરાવતા હતા, ડાબેરીઓ કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી કરતા હતા. ડાબેરી મોરચામાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સસિસ્ટ) એટલે કે સીપીએમ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે સીપીઆઈ, રીવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી) અને ફોરવર્ડ બ્લોક એમ ચાર પક્ષો છે. આ ચાર પક્ષોને ૨૦૦૪ની ચૂંટણીમાં લોકસભામાં ૬૧ બેઠકો મળી હતી અને કોંગ્રેસના ડો. મનમોહનસિંહ ડાબેરીઓની મહેરબાનીથી વડાપ્રધાન બની શકેલા.
ડાબેરીઓએ ત્રિપુરામાં સળંગ ૨૫ વર્ષ અને બંગાળમાં સળંગ ૩૫ વર્ષ રાજ કર્યું. જ્યોતિ બસુએ ૧૯૭૭થી શરૂ કરીને ૨૦૦૦માં રિટાયર્ડ થયા ત્યાં સુધીમાં ડાબેરી મોરચાને સળંગ પાંચ વાર સ્પષ્ટ બહુમતીથી જીતાડી હતી. બસુએ સળંગ ૨૩ વર્ષ મુખ્યમંત્રીપદ ભોગવ્યું. બસુની વિદાય પછી બુધ્ધદેબ ભટ્ટાચાર્ય ૧૦ વર્ષ કરતાં વધારે સમય માટે મુખ્યમંત્રી રહ્યા. ત્રિપુરામાં માર્ચ, ૨૦૧૮માં ભાજપે કારમી હાર આપી ત્યાં સુધી સીપીએમનું શાસન હતું. ભાજપના હાથે પરાજિત થયેલા માણિક સરકાર સળંગ ૨૦ વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા. ત્રિપુરામાં ૧૯૯૩થી ૧૯૯૮ સુધી દશરથ દેબ અને ૧૯૯૮થી માણિક સરકાર મુખ્યમંત્રીપદે રહ્યા. મમતા બેનરજીએ ૨૦૧૧માં પછડાટ આપીને બંગાળમાં ડાબેરી શાસનનો અંત આણ્યો ને ભાજપે ૨૦૧૮માં ત્રિપુરામાં ડાબેરીઓની ઈજારાશાહી ખત્મ કરી પછી ડાબેરીઓ પાસે સમ ખાવા પૂરતું કેરળ જ રહ્યું છે. હવે કોંગ્રેસ કેરળમાં પણ ડાબેરીઓને હરાવે તો ડાબેરીઓ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ જશે. sanjogpurti@gmail.com