પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાજ્યપાલ જગદીપ ધનખડની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યની વિશ્વવિદ્યાલયોના ચાન્સલેર બનાવવા માટે બિલ પાસ કર્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે રાજ્યપાલના સ્થાન પર ૩૧ રાજ્ય-સંચાલિત વિશ્વવિદ્યાલયોમાં મુખ્યમંત્રીને ચાન્સલેર બનાવવાની માંગ કરતા બિલ રજૂ કર્યું હતું, જ્યારે ભાજપે આ બિલને રોકવા માટે વિરોધ કર્યો હતો.
બિલના પક્ષમાં ૧૮૨ મત અને વિરોધમાં ૪૦ મત પડ્યા હતા. ત્યારબાદ વિધાનસભામાં બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. વિધાનસભાની અંદર વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. આ પહેલા વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી અને છ અન્ય ભાજપ નેતાઓ, જેને અનુશાસનાત્મક આધાર પર વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાથી રોકી લેવામાં આવ્યા હતા. તેમણે બિલ અને તેના પર પ્રતિબંધ વિરુદ્ધ ગૃહની બહાર પ્રદર્શન કર્યું હતું. અધિકારીએ કહ્યુ કે, અમે જોઈશું કે સરકાર કઈ રીતે બિલ પાસ કરે છે. તેમણે કહ્યું કે જો ટીએમસી પોતાની તાકાત પર તેને પાસ કરશે તો રાજ્યપાલ બિલને ચોક્કસ કેન્દ્ર પાસે મોકલશે, કારણ કે શિક્ષણ સંયુક્ત યાદીનો વિષય છે. તો ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ કહ્યુ કે પ્રાઇમરી વિદ્યાલય લગભગ સેકેન્ડરી બની ગઈ, સીએમ મમતા પાંચ વર્ષ પહેલાં આવ્યા હોત તો બંગાળની સ્થિતિતિ બદલી જોત, આ રાજ્યપાલ કંઈ કરતા નથી. માત્ર પૈસા લે છે અને દિલ્હી જઈ બંગાળને અપશબ્દો બોલે છે. ટેક્સના પૈસાથી દાર્જિલિંગ ફરે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસી પાસે ૨૧૭ અને ભાજપ પાસે ૭૦ ધારાસભ્યો છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરીની જરૂર પડશે. ટીએમસીના મંત્રીએ કહ્યું કે જો રાજ્યપાલ બિલને મંજૂરી નહીં આપે તો તે અધ્યાદેશ લાવી શકે છે. અધ્યાદેશોને પણ રાજ્યપાલની મંજૂરીની જરૂર હોય છે.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ કેબિનેટે છ જૂને રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલાધિપતી બનાવવાના પ્રસ્તાવને સોમવારે પોતાની મંજૂરી આપી હતી. યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂકને લઈને રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યપાલે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેમની મંજૂરી વગર કુલપતિની નિમણૂક કરી રહી છે.