ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જાશીએ આ સંદર્ભમાં મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, કોલકાતા પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.
આ નિર્દેશો વિભાગીય કમિશનરો, એડીજીપી,આઇજી , જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનરો,એસએસપી અને એસપી સહિત તમામ સ્તરના અધિકારીઓને લાગુ પડશે. ચૂંટણી પંચે ભાર મૂક્્યો છે કે ચૂંટણી પ્રક્રિયા ધાકધમકી, હિંસા, ધમકીઓ, પ્રલોભનો, બૂથ કેપ્ચરિંગ, બૂથ જામિંગ અને મતદાનમાં કોઈપણ પ્રકારના અવરોધથી સંપૂર્ણપણે મુક્ત હોવી જાઈએ.
માલદા જિલ્લામાં તાજેતરમાં બનેલી એક કમનસીબ ઘટના પછી આ નિર્દેશો આવ્યા છે, જ્યાં ૧ એપ્રિલના રોજ, ગ્રામજનોએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવાના વિરોધમાં ત્રણ મહિલાઓ સહિત સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવ્યા હતા.
એસઆઇઆરની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો અને ચૂંટણી પંચ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો. દરમિયાન, ભાજપે તેને ઘુસણખોરો સામેની કાર્યવાહી તરીકે રજૂ કર્યું.
એનઆઇએને પ્રાથમિક તપાસ રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી ૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ થવાની છે, અને સંબંધિત અધિકારીઓને ઓનલાઈન હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ન્યાય વહીવટમાં અવરોધ ઊભો કરવાનો બેશરમ અને ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ચિંતા વ્યક્ત કરી કે પૂર્વ માહિતી હોવા છતાં, રાજ્યના અધિકારીઓ સમયસર સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા, અધિકારીઓને કલાકો સુધી ખોરાક કે પાણી વગર છોડી દીધા. કોર્ટે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને તેમની નિષ્ક્રિયતા બદલ કારણદર્શક નોટિસ જારી કરી.









































