પશ્ચિમ બંગાળના બેરકપુરથી બીજેપી સાંસદ અર્જુનસિંહ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. અર્જુન સિંહે ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીની સામે પક્ષની સદસ્યતા લીધી. સિંહ ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને બેરકપુરથી સાંસદ બન્યા હતા. અર્જુનસિંહ બંગાળ વિધાનસભામાં ભાટપારાથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકયા
છે. છેલ્લા ૧૧ મહિનામાં બંગાળ ભાજપના ૫ મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.
અર્જુન સિંહ છેલ્લા ૬ મહિનાથી સતત સાઇડ લાઇનને કારણે નારાજ હતા. સિંહ અભિષેક બેનર્જીને મળ્યાના સમાચાર બાદ ભાજપ તેમને મનાવા માટે સક્રિય થઇ ગયું હતું, પરંતુ સૂત્રોનું કહેવું છે કે તેમણે હાઇમાન્ડનો ફોન રિસીવ કર્યો ન હતો.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં અર્જુનસિંહ ભાજપમાં જોડાયા હતા. બૈરકપુર બેઠક પરથી તૃણમૂલના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદીનો પરાજય થયો હતો. જો કે ,ત્રિવેદી પણ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ટીએમસી પાસે કોઇ મોટો ચેહરો ન હતો. અર્જુન સિંહ છેલ્લા ઘણા મહિનાઓથી શણના ખેડૂતોની માંગને લઇને પોતાની જ સરકાર વિરૂદ્‌ઘ હૂમલાખોર હતા. વાસ્તવમાં સેન્ટ્રલ જયુટ કમિશન કાચા શણની કિંમતો નક્કી કરી, ત્યારબાદ બંગાળમાં કાચા શણ જરૂરિયાત કરતાં ઓછો મળવા લાગ્યો. સિંહ આ અંગે સતત કેન્દ્ર વિરૂદ્‌ઘ અવાજ ઉઠાવતા હતા. અજુનસિંહ જે ક્ષેત્રથી આવે છે તે વિસ્તાર શણની મિલનો ગઢ કહેવામાં આવે છે. ત્યાં કેટલાક દિવસોથી ૨૦માંથી ૧૦ મિલો બંધ પડી હતી. ત્યારથી અર્જુનસિંહ તેમની ઉપેક્ષાને કારણે હાઇકમાન્ડથી નારાજ હતા. બંગાળની ચૂંટણીમાં સફળતા ન મળતા મજબૂત નેતા મુકુલ રોયે જૂન ૨૦૨૧માં બીજેપી છોડી દીધી હતી. આ પછ રાજીબ બેનર્જી, બાબુલ સુપ્રિયો, વિશ્વજીત દાસ જેવા નેતાઓ પણ ટીએમસીમાં જોડાયા. રાજીબ બેનર્જી ત્રિપુરાના પ્રભારી છે, જયારે બાબુલ સાંસદ છોડીને ધારાસભ્ય બન્યા છે.