કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયત ચૂંટણીનું પરિણામ મતદાનના દિવસે ગેરરીતિના આરોપોની અરજીઓની સુનાવણ અંગે આખરી ચુકાદો અપાયા પછી જાહેર કરવામાં આવશે. કોર્ટે રાજ્યના ચૂંટણી પંચ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ગેરરીતિના આરોપોની ત્રણ પિટિશન અંગે એફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ કર્યો હતો.
કોર્ટે રાજ્યના ચૂંટણી પંચને કોર્ટના નિર્દેશની જાણ ચૂંટાયેલા તમામ ઉમેદવારોને કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૮ જુલાઇની પંચાયત ચૂંટણીમાં મોટા પાયે હિંસા અને મતદાનમાં ગેરરીતિના આરોપો થયા છે. અરજદારોએ ચૂંટણી પંચને લગભગ ૫૦,૦૦૦ બૂથ પર ફરી ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા કોર્ટને માંગ કરી છે. ૬૯૬ બૂથ પર પુનઃ મતદાન કરાયું હતું. મતગણતરી ૧૧ જુલાઇએ શરૂ થઈ હતી. એક અરજદારે મતદાનના દિવસે બેફામ ગેરરીતિનો વીડિયો દર્શાવ્યો હતો. તેને વીડિયોની કોપી ચૂંટણી પંચના વકીલો અને કેન્દ્ર સરકારને આપવા જણાવાયું હતું. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, ૧૯ જુલાઇની સુનાવણીમાં આ મુદ્દા પર ચર્ચા કરાશે. બેન્ચે જણાવ્યું હતું કે, પહેલી નજરે ચૂંટણી પંચની કાર્યવાહીમાં કચાશ જણાય છે. બુધવારે પણ તેના કોઈ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. કોર્ટે જણાવ્યું હતું કે, ‘કોર્ટની સમગ્ર પ્રક્રિયા પર નજર છે અને ૧૩ જૂને પહેલો ચુકાદો પણ અપાયો છે ત્યારે ચૂંટણી પંચ કેમ સક્રિય નથી તેની સ્પષ્ટતા થઈ નથી.’
શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ હિંસાના આરોપો વચ્ચે થયેલી પંચાયતની ચૂંટણીમાં બુધવારે ધમાકેદાર જીત તરફ આગળ વધી હતી. રાજ્યના ચૂંટણી પંચે અત્યાર સુધીમાં જાહેર કરેલા આંકડા મુજબ તૃણમૂલને ૫૦ ટકાથી પણ વધુ બેઠકો મળી છે. તેનો નજીકનો હરીફ ભાજપ તૃણમૂલથી ઘણો દૂર છે. રાજ્યના ચૂંટણી પંચની માહિતી અનુસાર તૃણમૂલ કોંગ્રેસને ૩૪,૯૧૩ ગ્રામ પંચાયત બેઠક પર જીત મળી છે. કુલ ૬૩,૨૨૯ ગ્રામ પંચાયત બેઠક પર થયેલી ચૂંટણીમાં ભાજપને ૯,૭૨૨ બેઠક પર વિજય મળ્યો છે અને તે ૧૫૦ બેઠક પર આગળ છે. સીપીઆઇ(એમ)ને ૨,૯૩૭ અને કોંગ્રેસને ૨,૫૪૩ બેઠક પર જીત મળી છે.