પશ્ર્‌ચિમ બંગાળના રમત-ગમત મંત્રી મનોજ તિવારીએ એવી ઉપલબ્ધી હાંસલ કરી છે જે રણજી ટ્રોફીના ૮૮ વર્ષમાં અન્ય કોઈ ખેલાડી મેળવી શક્યું નથી. તે રાજ્યના ખેલમંત્રી રહીને રણજી ટ્રોફીમાં સદી બનાવનારા પ્રથમ ખેલાડી બની ગયા છે. બંગાળે ઝારખંડ વિરુદ્ધ પહેલી ઈનિંગની વિશાળ લીડના આધારે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
પાંચમા દિવસની રમત આમ તો ઔપચારિક્તા માત્ર હતી જેમાં તિવારીએ ૧૩૬ રન બનાવ્યા હતા. પોતાના ક્ષેત્ર સાથે જાડાયેલી ફાઈનલો ઉપર હસ્તાક્ષર કરવાની સાથે તિવારીએ મેદાન ઉપર બેટિંગનો જલવો બતાવતાં પોતાની ઈનિંગમાં ૧૯ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા.એકતરફી ક્વાર્ટર ફાઈનલમાં બંગાળે પહેલી ઈનિંગમાં સાત વિકેટે ૭૭૩ રન બનાવ્યા હતા અને તેના નવ બેટરે ફિફટી ફટકારી ફર્સ્‌ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ઝારખંડ વતી શાહબાઝ નદીમે ૫૯ રન આપીને પાંચ વિકેટ મેળવી હતી. બીજી બાજુ પહેલી ઈનિંગમાં વિરાટ સિંહે ૧૩૬ રન બનાવ્યા હતા. હવે સેમિફાઈનલમાં બંગાળનો સામનો મધ્યપ્રદેશ સામે થશે. જ્યારે બીજા સેમિફાઈનલ મુંબઈ-ઉત્તરપ્રદેશ વચ્ચે રમાશે. બન્ને મુકાબલા ૧૪ જૂનથી શરૂ થશે.