પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડાણ દરમિયાન બીમાર થયેલા સહયાત્રીની મદદ કરવા બદલ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સદૈવ, હ્રદયથી એક ચિકિત્સક, મારા સહયોગી દ્વારા કરાયેલું શાનદાર કાર્ય. સોશિયલ મીડિયાથી લઈને દરેક જણ તેમના આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે. સમયસર કરાયેલી મદદના કારણે મુસાફરનો જીવ બચી શક્યો. ભાગવત કરાડ વ્યવસાયે એક સર્જન છે અને જુલાઈ ૨૦૨૧માં નાણારાજ્ય મંત્રી તરીકે મોદી કેબિનેટમાં સામેલ થયા. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ છે.
અત્રે જણાવવાનું કે ૧૫ નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સની ઉડાણમાં સીટ ૧૨એ પર મુસાફરી કરી રહેલા એક મુસાફરને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તે વિમાનમાં કેન્દ્રીય નાણારાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડ પણ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમને સ્થિતિ અંગે ખબર પડી તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કોઈ મિનિસ્ટ્રિયલ પ્રોટોકોલની ચિંતા ન કરતા ડોક્ટર કરાડે તે મુસાફરને સારવાર આપવા પહોંચી ગયા હતા.
ઈન્ડિગોની એક દિલ્હી-મુંબઈ ઉડાણ દરમિયાન મુસાફરને સમસ્યા ઉભી થઈ અને કરાડે મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી. કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું કે મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કરાડ તે મુસાફર પાસે પહોંચી ગયા અને પ્રાથમિક સારવાર આપી. નિવેદન મુજબ ડો.કરાડે મુસાફરની મદદ કરી. ઈન્ડિગોએ પણ કેન્દ્રીય મંત્રીના આ સેવાભાવને બિરદાવતા તેને પ્રેરણાદાયી ગણાવ્યું.