ફિલિપાઈન્સના બોહોલ પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું કે ટાયફૂન રાયના કારણે ઓછામાં ઓછા ૬૩ લોકો માર્યા ગયા છે, જેનાથી દેશમાં આપત્તિથી મૃત્યુઆંક ૧૧૨ થઈ ગયો છે. બોહોલ પ્રાંતના ગવર્નર આર્થર યેપે જણાવ્યું હતું કે ૧૦ લોકો હજુ પણ ગુમ છે અને ૧૩ ઘાયલ છે. યેપે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે સંદેશાવ્યવહાર વિક્ષેપને કારણે તેણે ૪૮ શહેરોના મેયરમાંથી માત્ર ૩૩ સાથે વાત કરી હતી. અધિકારીઓ ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
ફેસબુક પર એક નિવેદન અનુસાર, યેપે વિસ્તારના મેયરને રાહતના પગલાંને વધુ તીવ્ર બનાવવા કહ્યું છે. તેમણે ૧૨ લાખ લોકોને ખાદ્યપદાર્થો પહોંચાડવાનો આદેશ આપ્યો હતો. હવાઈ સર્વેક્ષણ પછી, યેપે કહ્યું કે તે સ્પષ્ટ છે કે બોહોલે ઘણું સહન કર્યું હતું. ગુરુવાર અને શુક્રવારે તોફાનના કારણે ફિલિપાઈન્સના મધ્ય ભાગમાં ભારે વિનાશ થયો હતો. સરકારે કહ્યું છે કે લગભગ ૭૮૦,૦૦૦ લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. તેમાંથી ૩,૦૦,૦૦૦ લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો હતો.
ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અને નેશનલ પોલીસે તોફાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૯ વધુ મૃત્યુની પુષ્ટિ કરી છે. દક્ષિણ-પૂર્વ પ્રાંતના એમ આઇલેન્ડ પરના તોફાનમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા, જેનાથી દેશમાં મૃત્યુઆંક ૧૧૨ થયો હતો. રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે શનિવારે પ્રદેશનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને બે બિલિયન પેસો (ઇં૪૦ મિલિયન) સહાયનું વચન આપ્યું હતું.
તાજેતરના વર્ષોના સૌથી ખરાબ વાવાઝોડા દરમિયાન, ૧૯૫ કિમી પ્રતિ કલાકથી ૨૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું હતું. તોફાન બાદ ૨૨૭ શહેરો અને નગરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર ૨૧ વિસ્તારોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ત્રણ પ્રાદેશિક એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે. ક્રિસમસ પહેલા આવેલા ભયંકર વાવાઝોડાને કારણે થયેલી તબાહીએ સૌથી શક્તિશાળી ‘હૈયાર્ન વાવાઝોડાની યાદો તાજી કરી. નવેમ્બર ૨૦૧૩માં ‘હૈયાર્ન વાવાઝોડાને કારણે ૬,૩૦૦થી વધુ લોકોના મોત થયા હતા.