બગસરા તાલુકામાં છેલ્લા બે વર્ષોમાં રાજ્ય સરકારે અનેક શાળાઓને જર્જરિત ઓરડાઓમાંથી અધ્યતન બિલ્ડિંગમાં બદલી નાખેલ છે. પીઠડીયા, કન્યાશાળા, તાલુકા શાળા, હામાપુર, સુડાવડ, જૂની હળિયાદ વગેરે ગામમાં કરોડોના ખર્ચે શાળાના નવા બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મોટાભાગની શાળાઓમાં ફાયર એનઓસીનો પ્રશ્ન ન હોય વિદ્યાર્થીઓ નવા બિલ્ડિંગમાં શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ બગસરા શહેરની એવી અનેક શાળાઓ છે જેના બિલ્ડિંગ તૈયાર થયાને અનેક મહિનાઓ થઈ ગયા હોવા છતાં ફાયર એનઓસી આપવામાં આવેલ નથી. બગસરામાં કન્યાશાળા તેમજ તાલુકા શાળા બંને શાળાને ફાયર એનઓસી ન મળતા વિદ્યાર્થીઓ આજે પણ નવા બિલ્ડિંગમાં બેસી શકતા નથી. ફાયર એનઓસી ન હોવાને કારણે અદ્યતન મકાનો ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે. બાળકોને ઉપયોગમાં આવી શકે તેમ ન હતા તો આવા બિલ્ડિંગોમાં કરોડોનો ખર્ચ સરકારે શા માટે કર્યો તેવા સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.