ખોટ ખાતી સરકારી સંપત્તિઓને મોદી સરકાર વેચવા કાઢી રહી છે. જેના ભાગરુપે હવે દિલ્હીની સરકારી ફાઈવ સ્ટાર હોટલ ધ અશોક પણ ખાનગી કંપનીને ૬૦ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવે તેવી શક્યતા છે. બહુ જલ્દી કેબિનેટ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે.
ટુરિઝમ મંત્રાલયના નેજા હેઠળના ભારતીય પર્યટન વિકાસ નિગમ દ્વારા દેશમાં વિવિધ જગ્યાએ પર્યટકો માટે હોટલ અને રેસ્ટોરન્ટોનુ સંચાલન કરવામાં આવે છે. તેની સંપત્તિમાં અશોક ગ્રૂપની ચાર હોટલ, સાત ટ્રાન્સપોર્ટેશન યુનિટ, અન્ય ચાર હોટલ, વિવિધ પોર્ટ પરની ૧૪ ડ્યુટી ફ્રી શોપ તથા ચાર ફૂડ કોર્ટ સામેલ છે.
સરકાર રાંચ ખાતેની હોટલ રાંચી અશોક અને જગન્નાથપુરીની હોટલ નીલાચલમાં પણ પોતાની હિસ્સેદારી વેચશે. દિલ્હીની અશોક હોટલને લીઝ પર અપાશે. જ્યારે હોટલ સમ્રાટનુ સંચાલન પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. ભુવનેશ્વરની હોટલ કલિંગ અશોક તથા જમ્મુની ધ જમ્મુ અશોક હોટલ માટે પણ આ જ મોડેલ અપનાવાશે.
પોંડીચેરીની અશોક હોટલને ભાડાપટ્ટે અપાશે જ્યારે આનંદપુર સાહેબ હોટલને વેચવા માટે કઢાશે. કુલ મળીને આઠ હોટલનુ ખાનગીકરણ કરવા માટે હાલમાં વિચારણા થઈ રહી છે.
એનએમપી દસ્તાવેજ અનુસાર,આઇટીડીસીની તમામ આઠ હોટલોને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ દરમિયાન બજારમાં મૂકવાનું વિચારવામાં આવ્યું છે. તેના હેઠળ લાંબા ગાળાના લીઝ, ડિસઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના ઓએમટી કોન્ટ્રાક્ટ મોડલને એસેટ લેવલ પર યોગ્ય ખંતને આધીન કેસ-ટુ-કેસ આધારે વિચારણા કરી શકાય છે.