‘ભીમા હાર્યે મનમેળ નથી.’
રાત વીતી રહી હતી. પણ રણમલની આંખોમાં નિંદર ન હોતી. આ છેલ્લા બે ત્રણ દિવસની તલાબત હતી.હજી પહેલી જ વાર તેજુને પોતે મળ્યો હતો પણ એ સ્ત્રીએ મોહમાયાની એવી તે કેવી ભૂરકી છાંટી હતી કે બસ, દિવસ રાત, જાગતા કે સૂતા એનાં જ નામનાં સપનાં આવતાં હતાં. અડધો કલાક – કલાક જેવું એ વાડીએ બેઠો હતો અને જયારે એણે તેજુનો હાથ હાથમાં લઇ લીધો હતો ત્યારે તેજુએ તેને આંખોમાં આંખો નાખીને પૂછયું હતું કે કોઇ પારકી પરણેતરનો હાથ પકડવાનો ભાવારથ તમે જાણો છો ?
તેજુ કેમ પહેલી જ નજરે ગમવા માંડી અને વહાલી લાગવા માંડી હતી. એનો જવાબ પોતે પોતાના મગજને આપી શક્યો નહોતો. પણ એક વાત ગાંઠે બાંધી લીધી હતી કે હવે જીવવું તોય તેજુ સાથે અને મરવું પડે તોય તેજુ સાથે…
તેને તેજુના શબ્દો યાદ આવી ગયા ઃ ‘ હાથ પકડવાવાળા તો ઘણાંય પુરૂષ મળે, પણ એમાનો સાચો મરદ ક્યો ?
વાતવાતમાં એ ભીમાને ‘ટાઢા કોઠાનું માણસ’ કહી દેતી હતી. ‘ભોળીયો’ કહી દેતી હતી. જાણે એને એની દરકાર ન હોય એવું પહેલી દ્રષ્ટિએ લાગ્યું હતું. પણ જયારે છુટા પડયા ત્યારે એણે મભમ રીતે એમ જ કહી દીધું હતું ઃ ‘ તમને સાચું કહુ તો મારૂં આ રૂપ જીરવવાનું કામ ભીમા જેવા ધણીનું નથી. હું પતાળમાંથી તળિયુ ફાડીને ફૂટેલું નવાણ છું અને એ ફાટેલી બોખ છે. હું ફૂલઝડી છું અને એ બપોરીયું બાકસ છે. હું તમંચાનો ભડાકો છું અને મારો પતિ હવાઇ ગયેલું લવિંગીયું છે !’
રણમલના પગ તળેથી ધરતી સરકી ગઇ હતી. મનમેળ અને તનમેળ બરોબરિયાની સંગે જ થાય…’ તેજુએ રણમલની આંખોમાં આંખો નાખીને કહ્યું ઃ ‘ એક ઉત્તરનું અને એક દખ્ખણનું.! એવુ ટ્રેકટરનું અને ગાડાનું પૈડું જાડાજાડ હાલે એમાં કાયમ અવાજ આવે. મારી વાત સમજાય છે તમને? ‘‘હુ ંહવે સંધુય સમજી ચૂકયો છું ભાભી….! હવે તમારે મને કાંઈ કહેતા કાંઈ કહેવાની જરૂર નથી. બસ, એટલુ કહી દો કે, હું તમારો કાન બની ગયો, તમે મારી રાધા બનશો?’’
તેજુએ મીટ માંડીને રણમલની આંખમાં જાયું અને પૂછયું ઃ ‘‘અસ્તરીની આંખ વાંચતા જા આવડતી હોત તો આ સવાલ તમે મને પૂછયો જ ના હોત.’’
જવાબમાં રણમલે તેજુને હળવી બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો કે, તેજુ તણખી, “મને આ બાબતમાં જ વાંધો છે. તમે મારા દિયર, એનાથી આગળ દોસ્તાર પણ હજી એનાથી આગળ કાંઈ નથી.’’
‘‘પણ, હું તમને પ્રેમ કરુ છું ભાભી…હવે તમારા વગર જીવવુ હરામ છે.’’
‘‘એ બધુ બોલવામાં સારૂ..પણ પહેલા મને ઈ કયો, કે તમે મને દગો તો નહી આપો ને?’’
‘‘ના,ભાભી. હું જીવીશ પણ તમારી સંગ અને મરીશ પણ તમારી સંગ…’’
‘‘અરે મારા વહાલા દિયરજી! ’’ કહેતા તેજુએ તેના ગાલે ટપલી મારી.
રણમલનો ગાલ લાલલાલ થઈ ગયો. તેજુએ તેને સમજાવતા કહ્યું ઃ ‘‘પ્રેમની વાતું નિરાંતે કરીશુ. અટાણે તમે ઘરે જાવ. પછી આવતા રહેજાે. મારેય કામનું મોડું થાય છે. હમણા જ બોટાદથી તમારા ભાઈ આવી જશે સમજયા?’’
એમ કહી નાકની દાંડલી ખેંચી.
રણમલે તેનો હાથ પકડી લીધો. ‘‘ ભાભી, એક વચન આપશો? ’’ બોલો…’’
‘‘આવતા શનિવારે તરવાણીનો મેળો ભરવાનો છે. તમે આવશો?’’
‘‘અરે પણ મને કાંઈક કામ આવી ગયું હોય તો?’’
‘‘નહી,ભાભી તમારે આવવું જ પડશે.’’
‘‘જાઈશ બસ?’’
‘‘ના ભાભી, પ્રોમીસ આપો, વચન આપો’’
‘‘ઠીક છે. બને એટલી કોશિશ કરીશ પણ કયારે ઘરમાંથી હું નીકળી શકુ એનું કોઈ નક્કી નહી’’
‘‘જયારે પણ નીકળાય ત્યારે પણ સાંભળો, હું આજે જ મારા મામાને ત્યાં જાઉ છું અને એમનું મોટરસાયકલ લેતો આવું છું. હું મોટરસાયકલ લઈને હનુમાનજીની દેરીએ તમારી રાહ જાઈને ઉભો રહીશ બસ?’’
‘‘ઠીક છે. પણ દરરોજ સાંજે હું હીરાવાળા ચોકમાં માલતીબેન નર્સને ત્યાં દૂધ દેવા આવું છું. તમે શુક્રવારે માલતીબેનના ઘરની બહાર ઉભા રહેજા. હીરાવાળા ચોકમાં મળજા ત્યારે તમને પાક્કુ કહીશ કે મારે અવાશે કે નહી…’’
‘‘પ્લીઝ, ભાભી. તમારે આવવુ જ પડશે નહિંતર હુ ગામ છોડીને ચાલ્યો જઈશ.’’
‘‘અરે ના રે……’’ તેજુએ સફાળી ચોંકી જતા હસીને કહ્યું ઃ ‘‘ભાભી ના પાડે એમા ગામ થોડુ મૂકી દેવાય ? પણ રાહ જાજા….મારે બધી ગોઠવણી કરવી પડે. એમ કાંઈ તમે કહો ને મારાથી હાલી ન નીકળાય….સમજયા?’’
‘‘કોઈ વાંધો નહી. હું સવારના સાત વાગ્યાથી હનુમાનજીની દેરીએ બેઠો હોઈશ. તમે આવશો પછી જ નીકળીશ. નહીંતર પછી ગામની બહાર નીકળી જઈશ. પણ ભાભી, મેળો માણવો જ હોય તો મનગમતા માનવીની સંગ…..’’
‘‘હા, ભૈ હા.’’ તેજુએ રણમલના ગાલે ટપલી મારી ને પછી હસી. આ તરફ રણમલનું તેજુને મળીને બહાર નીકળવું અને આ તરફ ચમનનું સામેથી આવવું…..બન્ને ક્રિયા એકસાથે જ ઘટી ગઈ.
રણમલ ઝાંપલી આડી કરીને બહાર નીકળ્યો કે ચમન ઝાંપલીની બહાર જ ઉભો હતો. રણમલે એક નજર ચમન સામે નાખી ને પછી બોલ્યો ઃ
‘‘ભીમાભાઈની વાડીએ જવું છે ને? ….પણ ભીમાભાઈ નથી. તેજુભાભી એકલા જ છે.’’
‘‘મને ખબર છે.’’ એક હાથે ઝાંપલી ઉઘાડીને ચમન અંદર પ્રવેશ્યો ને રૂક્ષતાથી બોલ્યોઃ‘‘ ભીમો ખાતર અને દવા લેવા બોટાદ ગયો હતો. ઘરે આવી ગયો છે અને મારે દવા છાંટવાની છે, એટલે જાઉ છું. બીજુ કાંઈ કામ નથી.’’
રણમલ ક્રોધથી સળગી ગયો. એ વાજાવાજ જ ગયો પણ પછી પાછો વળ્યો. રખેને ભીમો આવી જાય,તો નક્કામું થાય. આમ પણ તાળો તો મળી જ ગયો હતો. તેજુએ કહ્યું જ હતું કે ભીમો બોટાદ છાંટવાની દવા લેવા ગયો છે.
એ પાછો વળ્યો અને ઘરના રસ્તે પડયો.
ભીમા વગર રણમલનું વાડીએ આવવું..એ ચમનને જરાય ગમ્યું નહોતું. ગામમાં દોલુભા નામે અંગારિયો કૈંકના ઘર સળગાવવા માટે હતો એ સાપનું સાપોલિયું આવી રીતે કોઈ આદમીની ગેરહાજરીમાં કોઈના આંગણે જઈ ચડે એમા તો એ ઘરની સ્ત્રીની સલામતીનો સવાલ ઉભો થતો હતો. એને બદલે આ નવતર અહીંયા શું કામ આવી ચડયો?
રાત વીતી રહી હતી પણ ચમનની આંખો ખુલ્લી ફટાક જ હતી. હમણા ચારપાંચ દિવસ પહેલા ખારસીનાં તળાવનો ઢાળ ઉતરતા એણે મેલડીના લીંમડા પાસે જાયું તો તેજુભાભી અને દોલુભા પણ ઉભા હતા. તેને થયું કે આ તેજુભાભીનું વાણીવર્તન સમજાતું નથી. વાડીએ પહોંચીને એણે તેજુભાભીને લાગલુ જ પૂછ્યું હતું કે અહી દોલુભાનો દીકરો શું કામ આવ્યો હતો? જવાબમાં તેજુભાભીએ કહ્યું હતું કે એ તમારા ભાઈબંધને મળવા આવ્યો હતો. હું તો એને ઓળખતી પણ નથી.
‘‘પણ તમારે ના પાડી દેવાય ને?’’ ચમને ચીડના ભાવ સાથે કહ્યું કે, તેજુએ ઠાવકાઈથી જવાબ વાળ્યોઃ એમ ના પાડયે સારુ લાગે? એ તો એની વાડીએથી અહીં સોંસરા પડયો હતો. મને કહે તમે મને ઓળખો નહી. હું તો બહાર રહીને ભણુ છું. કહે કે એમના ભાઈને મળવા આવ્યો છું. મે કહ્યું કે એ બોટાદ ગયા છે. એટલે એ ચાલતો થઈ ગયો. કોઈ માણસ આપણા આંગણે આવે તો એમ જાકારો ન અપાય. જવાબમાં ચમને કહ્યું ઃ ઠીક છે! ’’ પરંતુ તોય એને ગમ્યું નહોતું. ગામ આખામાં બની ગયેલી અને થઈ થાવાની ઘટના કે બનાવ એને માથાવઢ લાગતા. એને લોહીજાણ ઝટકો લાગતો કે આ બની કઈ રીતે ગયું?
એ ઢળતા ચંદ્રને તાકી રહ્યો.
વાતાવરણમાં હવે સ્હેજ સ્હેજ ધૂસર ભળી ગઈ હતી. ઓણસાલ આડેધડ ખાબકેલ ધોધમાર વરસાદને લીધે મોલપાણી સારા થયા હતા. કપાસમાં જીંડવા ભરાઈ ગયા હતા. હવે કપાસની વિણ્ય શરૂ થવાની હતી.
શુક્રવારની સાંજનો સૂરજ ઢળી ગયો. રણમલના હૈયામાં ચટપટી જાગી હતી. એ સંતોષની દુકાનના થડે બેઠો. માલતીબેન નર્સના ઘરનો દરવાજા સામેની સાંકડી શેરી પૂરી થયે આવતો હતો. પાન ખાવાના બહાને રણમલ સંતોષની દુકાને બેઠો જ રહ્યો. અંધારુ ઉતરી આવ્યું, સંતોષે દુકાન બંધ કરી. રણમલે વિચાર્યુ ઃ તેજુ હજી કેમ ન આવી? એ સામે રસ્તા ઉપર નજર પાથરી બેઠો ત્યાં જ હાથમાં દૂધની બરણી લઈને તેજુ આવતી દેખાઈ. એ થોડું ઝડપથી ચાલીને સાંકડી શેરીમાં જતો રહ્યો. દસેક મિનિટ પછી અચાનક સાંકડી શેરીમાં આવી ચડેલા ચમનને જાઈ બે પડછાયા ઝડપથી ચાલીને અંધારામાં ઓગળી ગયા.
ચમન ઝડપથી ચાલીને માલતીબેનના ઘર પાસે પહોંચ્યો તો એક પડછાયો માલતીબેનનો ઘરનો દરવાજા ખોલીને અંદર ઘૂસી ગયો. ચમને માથુ ધૂણાવ્યું ઃ તેને વિચાર કરતો કરી મૂકયો કે શું આ તેજુભાભી અને રણમલ તો નહોતા ને?(ક્રમશઃ)