દિવસ આથમી ગયો. દાડિયા છુટ્ટા થયા. તેજુએ ઓરડીમાં પથારી પર પડેલુ ઓશીકાનું કવર કાઢયું. અને એમા સાચવીને પેલુ ખત અને પંદર હજાર રૂપિયા મૂકયા. કવરને બેવડુવાળીને તગારામાં મૂકયું એની ઉપર મૂકયા ભાતના ભાતણા! દાડિયા તો હજી બે-ચાર દિવસ આવવાના હતા,ત્યારે એટલો કપાસ વીણવાનો પૂરો થાય એમ હતો પણ આજે ભીમો હતો નહી અને ચાર-પાંચ ગાંસડી જેટલો કપાસ વીણાયો હતો, એ ભરેલી ગાંસડી તેજુએ સામેની વાડીએ ટ્રેકટર લઈને આવેલા કરશનભાઈને સોંપી દીધી હતી. કરશને એ ગાંસડીઓ
ટ્રેકટરની બોગીમા ચડાવી દીધી હતી અને પોતે મોડે’કથી ટ્રેકટર લઈને પાછો વળવાનો હતો ત્યારે ઘરે ઉતારતો જશે એમ કહેલુ,એટલે વાડીએ આવેલા દાડીયાની સંગે તેજુ પાછી ફરી ત્યારે રસ્તામાં ચમનની વાતો ચાલતી હતી. આખરે તેજુએ કહ્યુઃ ‘‘રહેવા દો ને બાયુ! અમથે અમથા ચમનભાઈના શું પાપ ધોવા છે?’’ત્યારે દાડિયે આવેલા બાલુમાં બોલ્યાઃ ‘‘બેટા તેજુ,ઈ પહેલેથી જ એવો છે! ઈને,હું જલ્મ્યો ત્યારથી ઓળખુ છુ. એને જડીડોશીની ગળથૂથી છે અને જડીડોશી બજર સૂંઘતી ખડકીએ બેઠી બેઠી આખા ગામના સામાચાર લેતી હતી. એટલે એનો જવાબ ચમનને આવ્યો છે. કોઈને ખબર ન હોય,ઈ વાતની જડીડોશીને ખબર હોય, લ્યો બોલો!’
જવાબમાં બધી બાયું હસી પડી. વાતુવાતુમાં કયારે રસ્તો કપાઈ ગયો, એ જ ખબર ન રહી. ગામને પાદર દાડિયા પહોંચ્યા ત્યારે અંધારુ થઈ ચૂકયુ હતુ.
ખડકી ઉઘાડી તેજુ અંદર આવી. સાચવીને માથેથી તગારુ ઉતાર્યુ અને પેલુ બાવશિયાનું કવર કાઢયુ. થોડુ દબાવીને જાઈ લીધુ અને પછી પતિને હાથેય ન આવે અને જરા સરખી ગંધ પણ ન આવે એ રીતે ડામચિયાના તળિયે સીમેન્ટની કોથળીઓના બનાવેલા ચલાખાની અંદર બેવડુ વાળીને મૂકી દીધુ. રૂપિયા પંદર હજાર અંદરથી કાઢીને કોઠીની અંદર ઉંડે મૂકી દીધા. કોઠી અને ડામચિયો બન્ને જગા સલામત હતી.!
ભીમાએ ત્યાં કોઈ દિ’ હાથ પણ નહી મૂકયો હોય! પછી હાથપગ ધોઈ માતાજીના ગોખલામાં દીવાબતી કરી રાંધણિયામાં આવી. ભીમાનું આજનું આવવાનું કંઈ નક્કી નહોતું. શું કરવુ? એમ વિચારતી હતી કે ત્યાં જ સાંકળ ખખડી. એેણે ખડકી ખોલી તો સામેવાળા ભાવના ભાભી હતા. એણે હસીને આવકાર આપ્યો ’ લે, તમે? આવોને ભાવના ભાભી!’ ‘હવે અત્યારે ટેમ નથી. પણ,મોસમનો પહેલીવાર ઓળો બનાવ્યો છે. તે મને યાદ આવ્યુ. મારા દેરને બહુ ભાવે છે ને? તે લેતી આવી. લે…લઈ લે.’’ એમ કહેતા ડબરો આપ્યો તેજુ હસી પડતા કહ ‘‘વહાલા દે’રના ભાભી,દે’ર માટે ભલે ઓળો લાવ્યા પણ દે’ર ઘરે છે નહી. દેરાણી ખાશે તો હાલશે ને?’
‘અરે વાલીમૂઈ…..’ ભાવનાએ તેજુને ગાલે ટાપલી મારી ‘‘અલી,ખાલી મારા દે’ર માટે જ નથી. દેરાણી માટેય છે. બેય માટે છે સમજી?’ ‘‘તો વાંધો નહી. હું ખાઈશ એટલે તમારા દે’ર ને પહોંચી જશે.’’
‘‘ઠીક હાલ્ય ત્યારે હું જઉ…..’’ કરતી ભાવતા ખડકીની બહાર નીકળી, પણ પછી પાછી વળી ‘એલી,તુ સાવ એકલી હોય તો હુ સુવા આવુ. એકલા એકલા એકલવાયુ તો નહી લાગે ને?’’
‘‘ના રે ના,ભાભી, આ કાંઈ આજકાલનું થોડુ છે! કુંટુંબ મોટુ, વ્યવહાર ઝાઝો એટલે એમને તો ગમે ત્યારે ગામતરે જવાનુ થાય. હુ તો ટેવાઈ ગઈ છુ. છતાં એવું લાગશે તો સાદ કરીશ.’’
‘‘સારુ સારુ……મુંઝાતી નહી.’’ કરતી ભાવના નીકળી ગઈ. અને ડબરો લઈ તેજુ અંદર આવી. બાજરાના બે રોટલા બનાવી નાખ્યા. વાળુ કરી લીધુ. એટલીવારમાં તો સામેવાળા કરશનભાઈનુ ટ્રેકટર પણ આવી પહોંચ્યુ. કપાસની ગાંસડીઓ ઉતારીને ઓરડીમાં મૂકી અને પછી પોતે ઓરડામાં આવી પથારી ઉપર આડી પડી. ટમકિયુ બળતુ હતુ એની ફડફડ વાટને તાકી રહી ભીમો નહોતો એટલે ખરેખર એકલુ તો લાગતુ હતુ પણ હવે ટેવાઈ જવાનુ હતુ!
‘‘વાત આમ છે….એટલુ બોલીને ચમન કામદાર સામે તાકી રહ્યોઃ ‘‘કામદાર મને સૂઝકો નથી પડતો કે, આખી વાત હક્કીત છે શું? આ તરફ ભીમો સાવ ભોળિયો ભટ્ટાક કરતા મૂરખનો સરદાર બની બેઠો છે! એને તો ગમે એટલું કહીએ પણ કાંઈ ધ્યાનમાં જ આવતુ નથી અને આ તરફ દોલુભા! દિવસને દિવસે ભીમાભાઈના ઘરવાળા બાજુ ઢળતા જાય છે. ઢળતા જ જાય છે! એટલું જ નહી કામદાર, પણ દોલુભાના દીકરા રણમલના પણ આંટાફેરા ભીમાની વાડીએ વધી ગયા છે. આજ દિ’ સુધી મને તેજુભાભી ઉપર વિશ્વાસ હતો પણ, વિશ્વાસ ડગમગવા લાગ્યો છે! કામદાર, તમે મુખીને પાછા વળો નહિંતર એમનુ ઘર ભાંગશે કયાંક ‘‘એલા, આટલુ બધુ વધી ગયુ અને છેક છેક તુ મને અટાણે કહેવા આવ્યો? કામદાર તેને ધખ્યા‘તારી જેવો હોશિયાર માણસ તો તરત જ વાતનું મૂળ પકડી લે અને તળનો તાગ લઈ લે! એને બદલે હજી સામે ફીફા ખાંડે, એની નવાઈ મને લાગે છે…..’’
‘‘અરે પણ આમા મૂળ પકડાતું નથી ને તાગ લેવાતો નથી કામદાર કાકા ચમન બાજી હારી જતો હોય એમ માથુ ખંજવાળતો બોલ્યો ’’ આખી વાત જ કૈંક એવી રીતે હોલ છે કે, આ કઈ બાજુ જશે એ જ ધાર્યુ નથી સમજયા?…..’ ઘડીક અટકીને કહે ‘તમારે હવે દોલુભાને સમજવાના રહ્યા કે આ રસ બહુ વાયડો પડશે. તમે અટાકા લ્યો મા! ‘‘સારુ,હું એમને સમજાવીશ. તુ હવે ઘરે જા. શાંતિથી સૂઈ જાજે. રાત બહુ ઝાઝી વીતી ગઈ છે….સમજયો?’’
‘‘સારુ.કાકા, હું જાઉ છુ પણ તમારા ભાઈબંધને સમજાવો જરા-’’ એમ કહીને ચમન બહાર નીકળ્યો. તો ચાંદો બરાબર માથા ઉપર આવ્યો હતો. આમ તો ચોરા પાસે ઉતરીને હેઠલી શેરીમાં તેના ઘરે પહોંચી શકાય એમ હતુ છતાંપણ અત્યારેય તેના મનમાં શંકા ઉભી થઈ.કે, કદાચ, ભીમો ઘરે નથી તે તેજુ ભાભી સાવ એકલા જ છે. ખડકી બાજુ કોઈ હશે નહી ને?….’
એમ વિચારી ગામ ફરતા ફેરાવો લીધો. મોડી રાત થઈ ચૂકી હતી. સૌ કોઈ જંપી ગયા હતા. ચમન કુતરાને બૂચકારતો બૂચકારતો આગળ વધ્યો. અને ભીમાવાળી શેરીમાં પ્રવેશ્યો પણ એ જ વેળા કાગને બેસવુ અને ડાળને ભાંગવુ’ જેવો ઘાટ થયો. હજીતો એ ભીમાની ઘરની ખડકી પાસે પહોંચે તે પહેલા ખડકીમાં કોઈ ઓળો જતો તેણે જાયો. એ લગભગ ઉતાવળે પગલે ત્યાં પહોંચ્યો પણ ત્યારે ડેલી દેવાઈ ગઈ. કોણ હશે અત્યારે રાત્રે એક વાગ્યે?’’
-શંકાના કાનખજૂરા તેના મગજમાં આમથી તેમ ફરવા લાગ્યા?!
રણમલ પથારીમાં આમતેમ પડખા ઘસતો હતો. ઉંઘ આવતી નહોતી. એની સાથે જ બાજુના બેડ ઉપર જાગતો જ પડયો રહેલો વિક્રમ બોલ્યોઃ પાર્ટનર,ઉંઘ નથી આવતી કે શું?’’
‘‘ઉંઘ હરામ થઈ ગઈ છે…’’ પથારીમાં બેઠો થઈ જતો રણમલ પીઠ ખંજાળતા બોલ્યો ઃ ‘‘આંખ બંધ થતી જ નથી. પાર્ટનર…..’’
એવી તે કઈ વાત કરે છે પાર્ટનર?’’ વિક્રમ હસીને બોલ્યો ‘તારી ચાંદની સૂવા નથી દેતી કે વાંસતી?’’
‘‘પાર્ટનર..પાર્ટનર….’’ રણમલ કપાળે હાથ પછાડાતા બોલ્યોઃ‘‘ચાંદનીનું ચંદન કે વાંસતીની વસંત જેની આગળ પાણી ભરે, એક એવી અપ્સરાએ મોહી લીધો છે. આખેઆખો…..એની તને શું વાત કરુ? કે, હવે તો બસ એક નામ તુહિ…..તેજલ..તુહિ તુહિ તેજલ?’’
‘‘તેજલ?’’ વિક્રમ પથારીમાં બેઠો થઈ હસી પડયો ‘ત્રીજી ગોતી?’ ‘‘ગોતી નથી પણ બસ, રસ્તે કદાચ મારી વાટ જાઈ ઉભી હતી. અને હું તો પેલા કસ્તુરી હરણ જેમ કસ્તુરી શોધવા જવા ને ત્યાં ફાંફા મારતા હતો. પણ કસ્તુરી તો જાણે નાતિમાં જ હતી. જેમ કસ્તુરીની સુંગધે સુંગધે એ હરણ ભટકયા કરે છે એમ હું પણ ચાંદની ચંપા અને તિરાજથી વાસંતી સુધી ભટકતો હતો. પણ મારા ગામની મોજાર જ કસ્તુરી ફોરતી હતી. એનો મને ખ્યાલ જ ન હતો. હું પહેલીવાર તેને મળ્યો અને મહેકી ઉઠયો…….. વિક્રમ! શું સ્ત્રી છે યાર? મનુષ્ય છે કે અપ્સરા?’’
‘‘તો પછી…….તારો શિકાર બની જ ગઈ એમને?’’
‘‘હા,યાર. પેચ તો પહેલી નજરમાં લાગી ગયા. પણ-‘‘પડતી નથી એમજ ને?’’ વિક્રમ ધીમેથી બોલીને ખડખડાટ હસી પડયો. પછી કહે ‘પછાડ પછાડ….પછાડવામાં તો તુ ટાયો છો……..’’
‘‘એમ પડે એમ નથી…એલા..’’ રણમલના અવાજમાં મુંઝાવણ તરી આવી ‘એનો ધણિ કાંટો બનીને વચ્ચે ઉભો છે. પહેલા કાંટાને મચળી નાખવાનો છે, ત્યાર પછી જ..એ પડશે’’
‘‘મુરખના સરદાર……….’’ વિક્રમે ગુસ્સે થઈ જતા કહ્યુઃ ‘‘વાહર જાઈને વિશરીએ. કોંકનું એઠું ખાવા માટે આવડો કારહો કરવાનો હોય તો એને છાંડી દે. મને તો એમ હતું કે સાવ કોરી છે.’’
‘‘એલા,હું મારુ તનમનનુ સુખ હારી બેઠો છું. એને જાઈને! હવે તો એ કાંટાને ભાંગી નાખવાનો બાકી છે. એકવાર મોકો મળી જાય એટલે ચેપ્ટર પૂરુ.’’
‘‘તો તુ એની સાથે લગ્ન કરી લેવાનો એવું છે?’’ અને પછી જવાબની રાહ જાયા વગર જ કહેઃ ‘‘તો પછી આ ચાંદીનીનું શુ?
વાસંતીનું શું? એને બેયને તે પ્રોમિસ આપ્યા છે અને ચાંદનીને તો બોટીય લીધી છે.’’
‘‘એમા ચાંદનીની ય સંમતિ હતી. સમજયો?’’ રણમલે કહ્યુ અને વાસંતીની સાથે તો હજી બે વખત જ મુલાકાત થઈ છે. પણ હવે તેજલ
સિવાય દૂજા ન કોઈ……’ રણમલે કહ્યુ ‘તુ એના તેવર જા. રૂપ જા,શરીર જા…….બઠ્ઠો પડી જઈશ. અને હવે? તેજુ સિવાય કંઈ નહી ખપે…બસ, દિવાળી પછી માછડો તૈયાર કરવાનો જ છે અને એમાં કૂલદીપ,
આભાર – નિહારીકા રવિયા રાજવીર,કરણ અને જેડીની હેલ્પ લેવી પડશે. એના ધણીનું ચેપ્ટર એવી રીતે કલોઝ કરવુ છે કે હવાનેય ગંધ ન આવે.’’
‘‘કરો બંધ ચેપ્ટર…તને જે યોગ્ય લાગે એમ….’’ વિક્રમ એટલું બોલીને પથારીમાં લાંબો થયો અને પછી પડખુ ફરીને સૂઈ ગયો પણ રણમલની આંખમાં હવે ઉંઘ નહોતી. અત્યાર સુધી તેજુનો માસુમ ચહેરા દેખાતો હતો. પણ હવે,ભીમો ઘડી ઘડીએ જાણે વચ્ચે ને વચ્ચે આવી જતો હતો. એ બબડયો ‘ભીમો…ભીમો…..તારુ તો નક્કી જ છે. ભીમાનો ખીમો કરી ન નાખુ તો હું રણમલ નહી.
-અંદર વહેતુ ખુન્નસ ચહેરા ઉપર અને આંખોમાં ઉપસી આવ્યુ અને આંખોમાં રતાશ પકડી લીધી.
રોજેરોજે વીણાતા કપાસને લીધે બાજુનો ઓરડો અને ઓંસરી હવે છલકાઈ રહી હતી. ચારચાર મહિનાની વણથંભ મહેનતને લીધે અને ઓણસાલ મ્હો માગ્યો વરસાદ પડવાનો લીધે કુદરતે મહેર કરી હતી. ભીમો રાજીરાજી થતો બાજુનો ઓરડો ઉઘાડતો અને સુખના છલકતા સરોવર જેવા વીણેલા કપાસના રૂના ઢગલાને તાકી રહેતો. બે’ક વરસથી તેજુને સોનાનુ હાથફૂલ કરાવી દેવુ હતુ પણ વરસ તાણ્યમાને તાણ્યામાં જતુ હોવાથી સૂરજગઢ ચંદુ સોની પાસે જઈ શકાતુ નહોતુ. ઓણ, એ સપનું ફળીભૂત્‌ થઈ જવાનુ હતુ.
એ રાત્રે એણે તેજુનો હાથ હાથમાં લઈને વ્હાલથી પંપાળતા કહ્યુ ‘એક વાત કહુ મારી રાણી?’
‘એક નહી, એક હજાર વાર કયો ને…’
‘મારે તને ઓણ હાથફૂલ કરાવી દેવુ છે……’ગાલે ટપલી મારતા ભીમાએ કહ્યુ તેજુને પતિનું વ્હાલ ખૂબ ગમી ગયુ. એ નજીક સરતા બોલી ‘તમે અહી મારી બાજુમાં છો, પછી મારે ઘરેણાનું શું કામ છે? તમે છો, એ જ મારા માટે મંગળસૂત્ર અને એજ મારો ચૂડલો એજ મારે હાથફૂલ અને એ જ મારો ચાંદલો…!! (ક્રમશઃ)