જિલ્લામાં હોમગાર્ડ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા આશરે ૮૦ જેટલા હોમગાર્ડ જવાનોને ફરજમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. થોડા દિવસો પહેલા સુરત શહેરમાં ગણેશ મહોત્સવના વિશાળ બંદોબસ્ત માટે અમરેલીમાંથી હોમગાર્ડ જવાનોને મોકલવાનો હુકમ અપાયો હતો. પરંતુ મોટાપાયે જવાનો આ ફરજમાં હાજર ન રહ્યા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી. આ ગંભીર બેદરકારીને પગલે જિલ્લા હોમગાર્ડ કમાન્ડ દ્વારા ૮૦ જેટલા જવાનોને ફરજમુક્ત કરવાની નોટિસ ફટકારી છે. વિભાગની આ કડક કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રશાસનનો આ નિર્ણય ભવિષ્યમાં ફરજ પ્રત્યે ઉદાસીનતા દાખવનાર જવાનો માટે ચેતવણીરૂપ ગણાઈ રહ્યો છે.