અમરેલીના ફતેપુર ગામે જલારામ બાપાના ગુરૂ એવા સંત ભોજલરામ બાપાનો પ્રાગટયોત્સવ વૈશાખી પૂર્ણિમાંના દિવસે આગામી તા. ર૩ ને ગુરૂવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે દેશ વિદેશના લાખો ધર્મપ્રેમી શ્રધ્ધાળુઓે પ્રેમ, ભકિત અને શ્રધ્ધાનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ મહોત્સવમાં મુંબઈ, વાપી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર તથા અમરેલી જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો મહંતો ખાસ હાજરી આપશે. પ્રાગટય મહોત્સવના કાર્યક્રમમાં દર વર્ષની જેમ પ્રભાતે ૬ઃ૦૦ કલાકે પૂ. બાપાના સ્મૃતિ ચિન્હોનું પૂજન, સવારના ૮ઃ૩૦ કલાકે રકતદાન કેમ્પનું ઉદ્ઘાટન, સવારના ૯ઃ૦૦ કલાકે ફૂલ સમાધિ પર ધ્વજારોહણ, સવારે ૯ઃ૩૦ કલાકે નેત્રનિદાન કેમ્પનું ઉદ્ઘાટન, બપોરના ૧૨ઃ૦૦ કલાકે ભોજન પ્રસાદ, સાંજના ૫ઃ૦૦ કલાકે ધર્મસભા જેમાં પ.પૂ. શ્રી વિજયબાપુ-મહંતશ્રી સતાધાર, પ.પૂ. શ્રી લવજીબાપુ-ખોડિયાર મદિર-નેસડી, પ.પૂ. મહંતશ્રી વ્રજલાલબાપુ-વાલમરામધામ-ગારીયાધાર, પ.પૂ. શ્રી જેરામબાપુ-આપાગીગાની જગ્યા-બગસરા, પ.પૂ. નરેશદાદા ત્રિવેદી- કથાકાર -સુરત, પ.પૂ. શ્રી બાબુરામબાપુ-ધના ભગતની જગ્યા-ધોળા, પ.પૂ. શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રી-કથાકાર-રામપર, પ.પૂ. શ્રી શંકર મહારાજ-રાજકોટ વિગેરે સંતો મહંતો હાજરી આપશે તથા દિવ્ય વાણીનો લાભ આપશે ત્યાર બાદ સાંજના ૮ઃ૩૦ કલાકે ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રીના ૯ઃ૦૦ કલાકે ભજન સંતવાણી જેમાં પ્રસિદ્ધ કલાકારો -મનસુખભાઈ વસોયા, અપેક્ષાબેન પંડયા, પિયુષભાઈ મીસ્ત્રી, સ્મૃતિબેન પટેલ, રેખાબેન વાળા, મીહીરભાઈ પટેલ સંતવાણીનો લાભ આપશે. સવારના ૯ થી બપોરના ૧૨ તથા બપોરના ર થી સાંજના પ કલાક સુધી કથાકાર શ્રી શંકર મહારાજના દિવ્ય સ્વરમાં “ભોજલ જ્ઞાન કથા’’ યોજાશે જેમાં સંતશ્રી પૂ. ભોજલરામબાપાના જીવન ચરિત્રના પાવન પ્રસંગ તથા જલારામબાપા તથા વાલમરામબાપાના જીવનમાં ગુરુ મહિમાના પ્રસંગોને પણ વણી લેવામાં આવેલ છે. આ તકે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. (જેમાં દરેક રકતદાતા ભાઈઓ તથા બહેનોને આકર્ષક ભેટ પ્રસાદી રૂપે આપવામાં આવશે.) ૧,૦૦,૦૦૦ ઘનફૂટ ગુલાબી પથ્થર અને શ્વેત આરસના સંયોજનથી પૂ. ભોજલરામ બાપાનું ભવ્ય તથા દિવ્ય મંદિર ૨૦૨૫ની સાલમાં પૂર્ણ થશે. સાંજના ૫ઃ૩૦ કલાકે આ વર્ષના મંદિર નિર્માણના મુખ્ય દાતાની ભવ્ય સાકર તુલા થશે. ગામે-ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેવા સંગઠનના ૨૦૦૦ ભાઈ બહેનો ભોજન-પ્રસાદ તથા ચા-પાણીની કામગીરી સંભાળશે. આ શુભ પ્રસંગે દર વર્ષની માફક શ્રેષ્ઠ ધર્મોપદેશકોના પ્રવચનો તથા રાત્રીના ભજન/સંતવાણી તથા લોકસાહિત્ય રજૂ થશે. આ ધર્મોત્સવમાં સહપરિવાર મિત્રમંડળ સહિત ધર્મલાભ લેવાનું જાહેર નિમંત્રણ (ભોજલધામ) મહંતશ્રી ભકિતરામબાપુએ આપ્યુ છે.