દિવાળીના તહેવાર નજીક આવતા, ફટાકડા વેપારીઓના સ્થાનો પર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેને કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત એસજીએસટી વિભાગે બી૨સી ક્ષેત્રના ફટાકડા વેપારીઓ સામે કાર્યવાહી કરી, જેમાં ૪.૩૩ કરોડની કરચોરી પકડાઈ છે. તેમ જ રૂપિયા ૧૬ કરોડથી વધુની ટેક્સ કમ્પ્લાયન્સની જવાબદારી શોધી છે.જીએસટી વિભાગે કેટલાક કેસોમાં બિલ વિના ફટાકડાના વેચાણ અને જીએસટી કમ્પ્લાયન્સમાં ગેરરીતિઓ પકડીને ૩૭ કરદાતાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી તપાસ શરૂ કરી. બાતમીના આધારે, અધિકારીઓએ ગ્રાહક બનીને વિવિધ સ્થળોની મુલાકાત લીધી. ત્યારબાદ અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં ૩૭ કરદાતાઓના ૬૯ ધંધાના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન અનેક સ્થળો પર સ્ટોકમાં નોંધપાત્ર તફાવત જાવા મળ્યો. એમ જણાયું કે ફટાકડાના વેચાણ બિલ વિના અને હિસાબમાં દર્શાવ્યા વગર કરવામાં આવી રહ્યું હતું. કરદાતાઓએ ઓછું વેચાણ દર્શાવી વેરાની ચૂકવણી ટાળવાના પ્રયત્નો કર્યા હતા. અત્યાર સુધીની તપાસમાં કુલ ૪.૩૩ કરોડની કરચોરી સામે આવી છે.વિભાગ હવે સંબંધિત કરદાતાઓના આગામી જીએસટી રિટર્ન્સ પર નજર રાખશે કે વેરાની યોગ્ય ચુકવણી થાય છે કે નહીં. ૪.૩૩ કરોડની કરચોરી ઉપરાંત, અંદાજે ૧૬ કરોડની વેરાકીય જવાબદારી પણ ધ્યાને આવી છે. વિભાગે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ ટેક્સ ઇનવાઇસ ઇસ્યુ કરે, સાચા હિસાબો રાખે અને રિટર્નમાં વાસ્તવિક ટર્નઓવર દર્શાવે. તેમને ચેતવણી પણ આપવામાં આવી છે કે જા કોઈ કરચોરી કરશે તો કડક દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી થશે.









































