મહેસાણા શહેરમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને બજારોમાં ફટાકડાની ચમક છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ્સ સજાઈ ગયા છે, જ્યાં નાના બાળકોથી લઈને યુવાનો સુધીના લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ફટાકડાના ભાવમાં આશરે ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો છે. વધેલા ભાવ છતાં, ગ્રાહકોની સંખ્યા ઘટી નથી; ઉલટું ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ લોકો ફટાકડા લેવા આવી રહ્યા છે.વેપારી દુર્ગેશભાઈ અર્જુનભાઈ, જે છેલ્લા ૮ વર્ષથી મહેસાણાના તોરણવાળી બજારમાં ફટાકડાનો વ્યવસાય કરે છે, એમણે જણાવ્યું કે આ વર્ષે ફટાકડાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો છે. પરંતુ ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. ખાસ કરીને નવી આઈટમો માટે લોકોમાં ઉત્સાહ છે. આ વર્ષે ક્રેકલિંગ પીકોક નામના નવા ફટાકડા પણ આવ્યા છે, જેની ખાસ માગ છે. દર વર્ષે અમને આ વ્યવસાયમાં ૫ થી ૧૦ ટકા જેટલો નફો થાય છે.આ વર્ષે બજારમાં ૧૦ થી ૧૫ નવી વેરાઈટીના ફટાકડા ઉપલબ્ધ છે, જેમાં હેલિકોપ્ટર શોટ, ડ્રોન ફટાકડા, તારામંડળ, વિવિધ રંગોની કોઠી, અને વિસલવાળા રોકેટ ખાસ આકર્ષણ છે. આ નવી ટેક્નોલોજી આધારિત ફટાકડા આકાશમાં ઝગમગતા રંગો અને અનોખી અવાજા સાથે તહેવારને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. નાના બાળકો માટે પણ આ વર્ષે વિવિધ પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે — જેમ કે પોપ પોપ, બીડી બોમ્બ, તડતડીયા, દોરી, નાની ચકરડી અને ભમરડા. વેપારીઓ જણાવે છે કે “પોપ પોપ” બાળકોમાં હંમેશા સૌથી વધુ લોકપ્રિય રહે છે, કારણ કે તે સુરક્ષિત અને સરળતાથી ફોડી શકાય છે.ફટાકડાના ભાવની વાત કરવાથી, સામાન્ય ફટાકડાની કિંમત ૨૦૦ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ડિઝાઇનર અને લાઈટ ઇફેક્ટ ધરાવતા ફટાકડાના બોક્સ ૧,૦૦૦ રૂપિયા સુધીના મળે છે. સારી ગુણવત્તાવાળા ફટાકડા મુખ્યત્વે શિવકાશી (તમિલનાડુ)થી લાવવામાં આવે છે. વેપારીઓ જણાવે છે કે ત્યાંથી લાવતી વખતે ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગ ખર્ચ વધવાથી દર વર્ષે ફટાકડાના ભાવમાં વધારો થતો રહે છે.મહેસાણાના ગ્રાહકોનું માનવું છે કે ફટાકડાના ભાવ વધ્યા હોવા છતાં તહેવારનો માહોલ મોજમસ્તી વિના અધૂરો લાગે છે. ઘણા લોકો બારસથી લઈને દેવદિવાળી સુધી ફટાકડા ખરીદે છે, અને ખાસ કરીને સાંજના સમયે તોરણવાળી બજારમાં ભારે ભીડ જાવા મળે છે. આ વર્ષે ફટાકડાની નવી ડિઝાઇન, ડ્રોન લાઇટ ઇફેક્ટ્સ અને રંગીન તારામંડળો લોકોને આકર્ષી રહ્યા છે. વેપારીઓ માટે આ સીઝન નફાકારક સાબિત થઈ રહી છે.








































