૨૭૫થી વધુ લોકોનો ભોગ લેનારી અમદાવાદ પ્લેન દુર્ઘટના સંબંધિત વધુ એક અરેરાટીભર્યાં સમાચાર સામે આવ્યાં છે. પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભી ગુજરી જવાનો એક બહેનને એટલો આઘાત લાગ્યો કે તેમણે પણ દેહ છોડી દીધો હતો. ૧૨ જુને અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઈટમાં વિરમગામના રખિયાણામાં ગામના ભોગીલાલ પરમાર અને તેમના પત્ની હંસા પરમારનું પણ અવસાન થયું હતું. બન્ને પતિ-પત્ની લંડનમાં વહુની ડિલિવરી માટે જતાં હતા. ભાઈ-ભાભીના મોતનો આઘાત વિરમગામના વઘાડા ગામમાં રહેતાં ભોગીલાલના બહેન ગોમતીબેન ઝીલી ન શક્યાં અને બે દિવસ ગમગીન રહ્યાં બાદ આજે ગોમતીબેને પણ દેહ છોડ્યો હતો.

ગોમતીબેને જ્યારે ભાઈ ભોગીલાલ અને ભાભી હંસાબેનના અવસાનના સમાચાર મળ્યાં પછી ગમગીન થઈ ગયાં હતા. બે દિવસથી તો ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું માનતા રાખી હતી કે ભાઈ-ભાભીનું મોં જાઈશ પછી પાણી પીશ પરંતુ આજે તેમની સ્થિતિ વધારે બગડી હતી અને અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. ગોમતીબેન ચાંદલોડિયામાં રહેતાં તેમના પુત્રના ઘેર રહેતાં હતા. ભાઈ-ભાઈના મોત બાદ તેમના નોંધારી બનેલી બે દીકરીઓને પણ મળવા લાંભા (જ્યાં ભોગીલાલ પરમારનો બંગલો આવેલો છે) પણ ગયાં હતા.

ઉલ્લેખનીય છે કે ૧૨ જુન ૨૦૨૫ના દિવસે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ગોમતીબેનના ભાઈ ભોગીલાલ (પૂર્વ હેડ કોન્સ્ટેબલ રહે.લાંભા) અને તેમના પત્ની હંસાબેનનું અવસાન થયું હતું. બન્ને પતિ-પત્ની તેમના દીકરા રોહનની પત્નીની ડિલિવરી માટે લંડન જતાં હતા પરંતુ દાદા-દાદી બનવાની તેમની ખુશી અધૂરી રહી અને તેઓ અમદાવાદની બહાર જ ન નીકળી શક્યાં.

સિવિલ હોસ્પિટલલ ખાતે ભોગીલાલના પુત્રી પિન્કીનું ડ્ઢદ્ગછ લેવામાં આવ્યું છે અને જે બાદ મૃતદેહના ડીએનએ સાથે મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, ભોગીલાલ અને તેમના પત્નીના મૃતદેહો પરિવારને જલ્દીથી આપવામાં આવે તેવી પરિવારની માંગ છે. છેલ્લા સમાચાર પ્રમાણે ૧૫ જુન સુધીમાં તેમની બન્નેની ડેડબોડી પરિવારને સોંપી દેવામાં આવશે જે પછી માંડલના રખિયાણા ગામમાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે.