અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું, જેમાં ૨૪૨ પ્રવાસી સવાર હતા. પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.૬૯) પણ સવાર હતા. પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીના અકસ્માતના સમાચાર મળતાં તેમના ઘર પાસે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિજય રૂપાણીએ ન્ન્મ્નો અભ્યાસ કર્યો હતો પરંતુ વકીલાત કરવાને બદલે તેમણે ૧૯૭૮થી ૧૯૮૧ સુધી ઇજીજીના પ્રચારક તરીકે કામ કરવાનું શરૂ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૮૦ના દશકા દરમિયાન સંઘ દ્વારા ઘણા લોકોને જનસંઘમાંથી બનેલા ભાજપમાં મોકલવામાં આવતા હતા. તેઓ ભાજપ એકમના મહામંત્રી હતા. ત્યારપછી વિજય રૂપાણીએ પોતાની રાજકીય કારકિર્દીના જાણે શ્રી ગણેશ કર્યા એમ પણ કહી શકાય. તેમણે ૧૯૮૭માં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડી. ત્યાર પછી ૧૯૮૮થી એક દાયકાઓ સુધી તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા તથા ૧૯૯૬-૯૭માં આગળ જતા વિજય રૂપાણી મેયર બન્યા હતા. વિજય રૂપાણીને ત્યારપછી ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં પણ સ્થાન મળવા લાગ્યું હતું. ૧૯૯૫માં કેશુભાઈની સરકાર બની ત્યારપછી ૧૯૯૮માં વિજય રૂપાણી પ્રદેશ મહામંત્રી તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારપછી પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે. આની સાથે જ જોવા જઈએ તો વિજય રૂપાણી ૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી પેટાચૂંટણી લડ્યા હતા. આમાં તેમની જીત થઈ હતી અને તેઓ ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને સારી એવી જવાબદારી પણ મળી હતી. તેઓ આનંદીબેન સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. ત્યારપછી ફેબ્રુઆરી ૨૦૧૬માં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેમને મુખ્ય પ્રધાન બનવાની પણ તક મળી હતી.
વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો હતો
વિજય રૂપાણીનો જન્મ બર્મા કે જે અત્યારે મ્યાનમાર તરીકે ઓળખાય છે તેની રાજધાની રંગુન ખાતે થયો હતો. ૨ ઓગસ્ટ ૧૯૫૬માં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. ત્યાર પછી ૧૯૬૦ દરમિયાન પરિવાર રાજકોટ પરત ફર્યો હતો અને અહીંથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દી રાજકોટમાં શરૂ કરી હતી. વિજય રૂપાણીએ ૧૯૭૧થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તેવામાં ૧૯૭૬ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભુજની જેલમાં ગયા હતા.
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧માં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું
વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને આ જવાબદારી સોંપાઈ હશે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો જીતી પોતાનો ગઢ બચાવ્યો હતો. જોકે ભાજપ દ્વારા વિજય રૂપાણીને જ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ દરમિયાન ઘણી અટકળો લગાવાઈ હતી, ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા.
મુખ્ય પ્રધાન બનવાનો કિસ્સો રહ્યો સૌથી ચર્ચિત
આનંદીબેન પટેલે ઓગસ્ટ ૨૦૧૬માં રાજીનામુ આપ્યા પછી ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ હશે એ કોયડો ગુંચવાયો હતો. પસંદગી માટે તે સમયે તો નીતિન પટેલને લગભગ મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરી દેવાયા છે એવી અટકળો આવી હતી. મોટાભાગે એવી જ ચર્ચા ચાલી રહી હતી કે નીતિન પટેલ જ મુખ્ય પ્રધાન બનશે પરંતુ આ સમયે તમામ ચર્ચાઓ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા હતા.









































