અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમીએ તેના પતિ સાથે છૂટાછેડા કરાવ્યા હતા. ત્યારબાદ અનેકવાર દુષ્કર્મ આચરીને લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવક અને તેના ભાઈએ યુવતીને જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા. આટલું જ નહીં, પ્રેમીએ આ યુવતી પાસેથી સમયાંતરે કુલ ૪.૮૫ લાખ પડાવી લીધા હતા. પ્રેમીના ભાઈએ પણ યુવતીને ગાળો બોલીને ધમકી આપી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને યુવતીએ પ્રેમી અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બાપુનગરમાં રહેતી ૩૫ વર્ષીય યુવતી સીવણકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ વર્ષ પહેલાં તેના ગામના જ રાજુ સાધુ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક થયો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રાજુએ યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવી ખાતરી આપી હતી. લગ્નની લાલચ આપીને રાજુ યુવતીને હોટલમાં લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમીના વિશ્વાસે યુવતીએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ગત ૧૮ ડિસેમ્બરે યુવતી ઘરે હતી ત્યારે રાજુ ત્યાં આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ રાજુને લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેણે જાતિવિષયક અપશબ્દો બોલી લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જાકે, ત્યારબાદ પણ રાજુ ફરીથી યુવતીના ઘરે આવ્યો હતો અને લગ્નનો વાયદો કરીને વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે નાણાકીય લેવડદેવડ પણ થઈ હતી, જેમાં રાજુએ યુવતી પાસેથી કુલ રૂ.૪.૮૫ લાખ મેળવ્યા હતા. જ્યારે પણ યુવતી પોતાના નાણાં પરત માંગતી ત્યારે રાજુ તેને ગાળો આપી હેરાન કરતો અને પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપતો હતો.
આ ઉપરાંત, રાજુના ભાઈ વિનોદે પણ યુવતીને ધમકાવતા કહ્યું હતું કે, “મારા ભાઈનું નામ લેતી નહીં, નહીંતર તને અને તારા પરિવારને ગાંધીનગર સુધી લાંબી કરી દઈશ, મારી ઓળખાણ બહુ ઊંચા સ્તરે છે.” આ સતત માનસિક ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને યુવતીએ રાજુ ત્રિભોવનદાસ સાધુ અને તેના ભાઈ વિનોદ ત્રિભોવનદાસ સાધુ (બંને રહે. કડી, મહેસાણા) વિરુદ્ધ બાપુનગર પોલીસ મથકે દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.