દિવાળીના દિવસે ધજડીના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે જયંતીભાઇ પોપટભાઇ સીતાપરા (ઉ.વ. ૪૬)એ અજાણયા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ૦૪/૧૧/૨૧ ના આશરે કલાક ૧૦.૩૦ થી કલાક ૪.૦૦ વાગ્યા દરમિયાન કોઇપણ સમયે પીઠવડી ગામથી વંડા ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર દિકરો મનીષભાઇ જયંતીભાઇ સીતાપરા (ઉ.વ. ૨૫) બેલા ગામેથી ધજડી ગામે પોતાના ઘરે આવતો હતો તે વખતે પીઠવડી ગામ પાસે પહોચતા કોઇ અજાણયો માણસે તીક્ષ્ણ હથિયારથી છાતીના ભાગે તેમજ પડખાના ભાગે જીવલેણ ઘા મારી ખૂન કર્યુ હતું. અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્‍કોડ, તથા સાવરકુંડલા રૂરલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરી હતી. ઉપરાંત આજુ-બાજુના વિસ્‍તારમાં તમામ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ઘરવામાં આવી તથા શંકાસ્‍પદ હિલચાલ ધરાવતાં મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સદ્યન પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સ, અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળ્યું કે, આ ગુન્‍હામાં સંડોવાયેલ રાજુભાઇ ઉર્ફે દડુ મથુરભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) પોતાની ટુ વ્હીલર ગાડી લઇ સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામની બહાર થોડે આગળ આવેલ ભેંકરા તથા ગાધકડા અને પીઠવડી ગામ જવાની ચોકડીએથી નિકળનાર છે. જેથી વોચ ગોઠવતાં ત્યાંથી તે પસાર થતાં રાઉન્‍ડઅપ કરી પૂછપરછ કરવામાં આવતાં ભાંગી પડ્‌યો હતો. જેમાં જેણે કબૂલાત કરી કે, તેને મનિષભાઇની મંગેતર સાથે પ્રેમ સંબંધ હતો અને તેમાં આડખીલી રૂપ બનતો હતો. જેથી તેનું ઢીમ ઢાળી દઇ છરી વતી ઘાતકી હત્યા કરી લાશને અવાવરૂ વિસ્‍તારમાં છોડી દીધી હતી. આરોપી પાસેથી કી-પેડવાળા બે મોબાઈલ, બાઇક મળી કુલ ૨૧ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.