વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ પતિ સાથે રહેતી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાતના કેસમાં ગોત્રી પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. આ દંપતી મૂળ રાજસ્થાનના અલવરનું રહેવાસી હતું અને ગત વર્ષે વડોદરામાં રહેવા આવ્યું હતું. મૃતક યુવતીની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, જમાઇ તેમની દીકરીને દારૂ પીને મારઝૂડ કરતો હતો તેમજ બે વખત ગર્ભપાત કરાવ્યો હતો. જેથી કંટાળીને તેમની દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

રાજસ્થાનના અલવર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ક્રીપા રામઅવતાર શર્માએ વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી નમિતાએ વર્ષ ૨૦૦૫માં અલવરમાં રહેતા અમીત કુમાર શર્મા સાથે લવમેરેજ કર્યાં હતાં. જેથી ત્રણ વર્ષ સુધી નમિતા સાથે અમારે કોઇ સંપર્ક ન હતો અને તે અમારા ઘરે પણ આવતી ન હતી. વર્ષ ૨૦૦૮માં નમિતાએ પરિવારનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તે પિયરમાં આવતી-જતી હતી. જા કે, તેનો પતિ અમિત શર્મા ક્યારેય ઘરમાં આવતો ન હતો અને નમિતાને મુકીને ઘરની બહારથી જ જતો રહેતો હતો.

વર્ષ ૨૦૧૪માં નમિતાના પિતા નોકરીમાંથી નિવૃત્ત થતાં ૨૦ લાખ રુપિયા મળ્યા હતાં. જેથી અમિતે પત્ની નમિતાને ફ્લેટ અને કાર ખરીદવા માટે પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું. રૂપિયા ન આપતા અમિતે દારૂ પી ને નમિતા સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં નમિતા બે વખત ગર્ભવતી થઇ હતી, પરંતુ, પતિએ બાળક નથી રાખવું તેમ કહીને ગર્ભપાત કરાવી દીધો હતો. નમિતાએ વર્ષ ૨૦૧૬માં અલવરમાં પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. જા કે પતિ અમિતે હવે ફરી મારઝૂડ નહીં કરે કહી સમાધાન કરી લીધું હતું અને તેને સાસરીમાં તેડી ગયો હતો.ગત ૧૯ મેના રોજ અમિત નમિતાને રાજસ્થાન સ્થિત માતાના ઘરે પરત મુકી ગયો હતો. નમિતાએ કહ્યું હતુ કે અમિત રોજ રાત્રે દારૂ પીને મને હેરાન પરેશાન કરે છે તેમજ મારઝૂડ કરે છે તેથી તે પતિ સાથે હવે રહેવા માંગતી નથી. જા કે ઘટનાના એક મહિના બાદ જૂન મહિનામાં ફરી અમિતનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું તારા વગર રહી શકીશ નહીં. હવે તારી સાથે મારઝૂડ નહીં કરું એમ કહી નમિતાને સાથે વડોદરા લઇ ગયો હતો.

૭ ડિસેમ્બરની રાત્રે જ નમિતાની માતા ક્રિપા શર્માને ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઇ આપઘાત કરી લીધો છે અને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નમિતાની માતાએ આક્ષેપ કર્યો હતો કે, અમિત વારંવાર નમિતાને કહેતો કે, તને હવે બાળકો થતાં નથી, તું મરી જાય તો બીજા લગ્ન કરવા છે તેવા મ્હેણા ટોણા મારતો અને મારઝૂડ કરતા તેમની દીકરી ત્રાસ સહન ન થતાં આપઘાત કરવો પડ્યો છે.ગોત્રી પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.