ખુશી આવતાની સાથે જ દર્શનની યાદ ઉપસી. એ યાદ આવતા બંસી ખાટલા પરથી ઉભી થઈ ને પેલા નકશીકામ કરેલ શિશમની લાકડાની પેટી પાસે પહોંચી. પેટી ખોલી સંઘરી રાખેલી કે છુપાવેલ ઘોડેસવાર દર્શનની તસ્વીર કાઢી, મખમલી હોઠ સામે લાવી તેણે પ્યારથી ચૂમી ભરી લીધી. નિર્જીવ એવી તસ્વીરને અત્યારે બંસીએ જાણે જીવંત માની લીધી હતી. આમ કર્યા પછી તસ્વીરને પાછી એની જગ્યાએ મૂકી દીધી. તસ્વીર મૂકતા જ હાથીદાંતની ચૂડી પર તેની નજર સ્થિર થઈ. કિંમતી ને ભારેખમ નકશીકામથી આવરી લેવાયેલ, ને દર્શન દ્વારા મેળામાંથી ભેટ રૂપે મળેલ ચૂડી બહાર કાઢી. પછી પોતાના બીજા હાથની મદદથી તેણે ચૂડી પરાણે પહેરી. એ ઘડીએ, એ ક્ષણે ભાવવિભોર બની બંસીએ તેની આંખો ખૂબ દબાવીને મીંચી લીધી.
હા, ચૂડી તો તેણે પહેરી લીધી હતી પોતાના માનેલા કંથના મજબૂત હાથો વડે પછી તો સોનેરી સપનામાં ઉંચે ને ઉંચે મહાલવા લાગી જાણે!
પ્રેમનું પ્રાગટય સ્વયંભૂ પેદા થતુ હોય તો નવાઈ નહી, કદાચ ઋણાનુબંધ પણ હોઈ શકે. પરંતુ સાંભળ્યું છે કે પ્રેમમાં ઝૂરાપો, નિશ્વાસ, નિસાસા અને રુદન જ સાંપડે છે. કોઈપણ સમાજ હોય પવિત્ર પ્રેમને સમજી શકે તેવો હોશિયાર નથી જ. આવા પ્રેમને શારીરિક આકર્ષણ અથવા તરેહ તરેહના નામ આપી પ્રેમી પાત્રોને રીબાવે છે, ડરાવે છે, ધમકાવે છે, અકળાવે છે ને અંતે પ્રેમીઓ મજબૂર બની અનંતમાં ચાલ્યા જતા હોય છે.
બંસી તેના વિશાળ ઓરડામાં એકલી માત્ર હતી. વિચારોમાં તે પાછી નહોતી પડતી. વિચાર પછી વિચાર તેના નાનકડા મગજમાં ચાલ્યા જ કરતા. અંતે બધા વિચારોના અંતે માત્ર એક જ ભાવ રહેતોઃ કયારે દર્શનને મળુ! દિલની ધક ધક કરતી વાતો ખીલીને, ખૂલીને
કયારે કરુ.
આજની જ વાત. મહેમાનો આવ્યા…..તરત જ ચાલ્યા ગયા. ભૂતકાળ બની ગયો. હા, બંસી વિચારતી હતી કે બા……આ સંબંધ ન થાય તે માટે બાપુને આગ્રહ થકી સમજાવશે. બાપુ માની પણ જાય તો પણ આ વાતનો અંત તો નથી જ!કાલ ઉઠીને પોતાને જાણ માટે કોઈ બીજા ગામથી કે શહેરથી આવવાના જ ને?! કેટકેટલાને બાપુ-બા ના પાડશે. તો પછી આ સળગતા સવાલમાંથી બહાર નીકળવા માટે કયો રસ્તો પસંદ કરવો?! આવા ગંભીરને ન સમજાય તેવા ભારેખમ કોયડાએ બંસીને વધુ ગંભીર બનાવી દીધી. તેને આવતા બીજા અનેક વિચારો થોડા ઓછા થયા તો પણ પોતે મનોમન થાકી ગઈ. થોડુ ગણીગણી ઃ “કંઈક રસ્તો તો કરવો જ પડશે. દર્શન વગરની જીંદગી કંઈ જીંદગી જ નથી મારા માટે. દર્શન …તું કંઈ કર. તારા વગર મને જરાય ગમતુ નથી. મને લઈ જા……” એવું એવું એ સ્વગત બબડી. (ક્રમશઃ)