ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા માતા-પિતા બની ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, યુવિકા ચૌધરીએ એક દીકરીને જન્મ આપ્યો છે. યુવિકા અને પ્રિન્સે હજુ સુધી આ અંગે કોઈ વાત કરી નથી. પ્રિન્સના પિતા જાગીન્દર નરુલાએ આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અમે ઘણા ખુશ છીએ.
યુવિકા અને પ્રિન્સ પ્રથમ વખત બિગ બોસ ૯માં મળ્યા હતા. બિગ બોસના ઘરમાં તેમની મિત્રતા સમયની સાથે પ્રેમમાં બદલાઈ ગઈ. પ્રિન્સ અને યુવિકાએ વર્ષ ૨૦૧૬માં સગાઈ કરી હતી. વર્ષ ૨૦૧૮માં બંનેએ લગ્ન કર્યા હતા. આ દંપતી હવે એક પુત્રીના માતા-પિતા બની ગયા છે.
યુવિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે આઇવીએફ દ્વારા માતા બની છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ઈચ્છતી હતી કે પ્રિન્સનું કરિયર સારું ચાલે અને અમે પરિવારને આગળ લઈ જવાનું વિચાર્યું, પરંતુ સમયની સાથે તમારું શરીર અને ઉંમર ઘણી બાબતોને સાથ આપતી નથી. મારે જે જાઈએ છે તે અંગે મેં પ્રિન્સ સાથે વાત કરી છે. આ પછી આઈવીએફ દ્વારા માતા બનવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રિન્સ નરુલા ઘણા રિયાલિટી શો જીતી ચૂક્યા છે. પ્રિન્સ બિગ બોસ ૯ રોડીઝ ઠ૪નો વિજેતા રહી ચૂક્યો છે. આ સિવાય પ્રિન્સે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.