સમગ્ર રાજ્યમાં જ્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં લોકશાહીનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની મહિલાઓ લાંબા સમયથી ગટર અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બનતા, અંતે ત્રાહિમામ પોકારીને ગ્રામપંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. ઉભરાતી ગટરોની સમસ્યાથી કંટાળેલા રહીશો હવે પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની માંગ કરી રહ્યા છે, જે ખરેખર તો જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોની પ્રાથમિક જવાબદારીમાં આવે છે. આ આક્રોશ વચ્ચે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્યે છેલ્લા પાંચ વર્ષમાં કૃષ્ણપરા વિસ્તારના વિકાસ માટે શું કર્યું? લોકોની સમસ્યાઓ નિવારવામાં તેઓ કેમ ઉણા ઉતર્યા છે અને તેમણે પોતાની વિકાસલક્ષી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો છે? ચૂંટણીના સમયે જ્યારે નેતાઓ મતોની અપેક્ષાએ ઘરે-ઘરે જઈ રહ્યા છે, ત્યારે જનતા તેમને જૂના વચનો અને અધૂરા કામો બાબતે આકરા સવાલો કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારના ગ્રામપંચાયત સદસ્યના પ્રતિનિધિ પોતે જ અત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે, છતાં પણ છેલ્લા ચાર વર્ષમાં ગટર કે સફાઈ બાબતે કોઈ નક્કર રજૂઆત કેમ કરવામાં ન આવી તે મોટો પ્રશ્ન છે. વડિયાના કૃષ્ણપરા અને ઢોળવાનાકા વિસ્તારના લોકો અત્યારે પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે અને વિકાસના ખોટા દાવાઓ કરતા નેતાઓ માટે આ સ્થિતિ અત્યંત શરમજનક સાબિત થઈ રહી છે. લોકો હવે જાગૃત થયા છે અને સમજી ગયા છે કે ચૂંટણી એ જ યોગ્ય સમય છે જ્યારે નેતાઓને તેમના નૈતિક કર્તવ્યોનું ભાન કરાવી શકાય. ગંદકી અને રોગચાળાના ભય હેઠળ જીવતી જનતા હવે માત્ર વચનો નહીં પણ પરિણામ ઈચ્છી રહી છે. આગામી સમયમાં આ ઉભરાતી ગટરો અને સફાઈની સમસ્યાઓથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું.





































