પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિને નેચરોપેથી પણ કહેવામાં આવે છે. હાલમાં જેટલા પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ પ્રચલિત છે તેમાં ઔષધો દ્વારા ઉપચાર કરવામાં આવે છે તેમાં દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગેરેનો સહયોગ લેવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં દવા, ઇન્જેક્શન, ઓપરેશન વિના ઈલાજ કરવામાં આવે છે. નિસર્ગોપચાર ખૂબ જ સરળ, સહજ અને સર્વ સુલભ છે. વ્યક્તિ જ્યાં રહેતા હોય ત્યાં આસપાસમાં મળી શકે તેવા પ્રાકૃતિક પદાર્થો અથવા ઉપકરણોના સહયોગથી પ્રાકૃતિક ચિકિત્સા થઈ શકે છે.
આ ચિકિત્સા પદ્ધતિમાં શરીરની જે પ્રકૃતિ છે તેને સમજીને ઈલાજ કરવામાં આવે છે તેથી તેને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ કહેવામાં આવે છે. ચિકિત્સા વિજ્ઞાનમાં માનવામાં આવે છે કે રોગ તો શરીર સ્વયં મટાડે છે ચિકિત્સાનું કાર્ય કેવળ શરીરને સહયોગ આપવાનું છે ઉદાહરણ તરીકે શાક સમારતી વખતે આંગળીમાં ચપ્પુ લાગી જાય તો શરીર પોતાની મેળે ધીરે ધીરે તેને ઠીક કરી લે છે. પરંતુ પાટો બાંધીને આપણે તેની કેવળ મદદ કરીએ છીએ. મહત્વ રોગની ચિકિત્સાનું નથી પરંતુ રોગ જ ન થાય તેના જ્ઞાનનું મહત્વ છે. સ્વસ્થ રહેવું પ્રાકૃતિક અવસ્થા છે અને બીમાર થવું તે અપ્રાકૃતિક અવસ્થા છે. રોગ થઈ ગયા પછી તેનો ઈલાજ કરવાની જગ્યાએ રોગ થાય જ નહીં તેનો ઉપાય કરવાનું શ્રેષ્ઠ ગણાય. આ ચિકિત્સા પદ્ધતિમાં રોગીને જણાવવામાં આવે છે કે ભવિષ્યમાં કઈ રીતનો આહાર વિહાર રાખવો જેથી રોગ થાય જ નહીં. આ સાથે પ્રાકૃતિક ચિકિત્સાલયોમાં પ્રાર્થના, પ્રવચન, વિના પ્રાકૃતિક ચિકિત્સા અધૂરી ગણાય છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જો જીવન જીવવામાં આવે તો રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં રોગને દૂર કરવા અને સ્વસ્થ રહેવા માટે પંચકર્મ કરવાની પદ્ધતિ પણ છે.
પ્રાકૃતિક ચિકિત્સામાં સૌથી સરળ ઉપચાર છે કટિસ્નાન. તેના માટે એક ગોળ ટબમાં સાધારણ ઠંડું પાણી ભરીને તેમાં બેસવાનું હોય છે. પાણી એટલું હોવું જોઈએ કે કમર પાણીમાં ડૂબેલી રહે પગ ટબની બહાર રહે છે તેમજ નાભીનો ઉપરનો ભાગ પણ પાણી બહાર રહે તેટલું પાણી રાખવાનું હોય છે. કટિસ્નાનથી કમરના ભાગમાં ઠંડક લાગે છે. એ તો વૈજ્ઞાનિક સત્ય છે કે ઠંડીમાં કોઈ પણ પદાર્થ સંકોચાય છે તેથી જ્યારે માણસ ઠંડા પાણીમાં બેસે છે ત્યારે કમર અંતર્ગત આવવા વાળા અવયવો જેવા કે મળાશય, મૂત્રાશય તથા જનેન્દ્રિય તે ઠંડા પાણીનો સ્પર્શ થવાથી સંકોચાય છે. અને શરીરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. મળમૂત્ર એક રીતે જોઈએ તો વિજાતીય દ્રવ્ય છે તે શરીરમાં વધુ સમય રહે તો રોગ ઉત્પન્ન થાય છે તેથી મળમૂત્રને બહાર ફેંકવામાં કટિસ્નાન ઉપયોગી થાય છે. બધા લોકો જાણે છે કે કબજિયાત સર્વ રોગનું મૂળ છે અને કબજિયાત દૂર કરવામાં કટિસ્નાન ઉપયોગી થાય છે. બધા લોકો જાણે છે કે કબજિયાત સર્વ રોગનું મૂળ છે અને કબજિયાત દૂર કરવામાં કટિસ્નાન ઉપયોગી થાય છે. મૂળ રૂપથી આ જળ ઉપચાર પદ્ધતિ ભારતીય છે. ભીના વસ્ત્રો પહેરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવો. કમર સુધીના પાણીમાં ઊભા રહી મંત્ર જાપ કરવા વગેરે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. જર્મનીમાં એક ડોક્ટર થયા જેનું નામ ”લૂઈ ફૂને” તેમજ એક ઓસ્ટ્રેલિયને આ પદ્ધતિનો આધુનિક સમયમાં પ્રાદુર્ભાવ જર્મનીમાં કર્યો. કટિસ્નાન ઉપરાંત બસ્તી એટલે કે એનીમાથી પણ શરીરની સફાઈ કરવામાં આવે છે. એનીમા દ્વારા પેટમાં પડતર ચડેલો મળ બહાર કાઢવામાં આવે છે. આ ષટકર્મ માંહેની એક પદ્ધતિ છે. હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખી એનીમા આપવામાં આવે છે. જેથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે અને આંતરડાનો મળ બહાર આવી જાય છે. (ક્રમશઃ)