છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામના ખેડૂત રાઠવા અશ્વિનભાઈ ચંદુભાઈ આજે
પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે. માત્ર પ૦ વર્ષની ઉંમરે તેઓ ખેતીમાં નવી દિશા અને વિચાર સાથે આગળ વધી રહ્યા છે. તેમના પરિવાર પાસે કુલ ૬ એકર જમીન છે, જેમાંથી ૩ એકરમાં તેઓ ૨૦૧૭થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આજના સમયમાં રસાયણિક ખેતીના કારણે જમીનની ઊપજક્ષમતા ઘટી રહી છે અને ખેતી ખર્ચ વધતો જાય છે. આવા સમયે અશ્વિનભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને એક સચોટ અને ટકાઉ વિકલ્પ રજૂ કર્યો છે. પ્રાકૃતિક ખેતીમાં તેઓ કોઈ પણ પ્રકારના કેમિકલ ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી. ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવા પરંપરાગત અને સ્વદેશી ઉપાયો અપનાવીને તેઓ પાક ઉગાડે છે.
અશ્વિનભાઈનો મુખ્ય ફોકસ ચોખાની ખેતી પર છે. તેઓ પ્રાકૃતિક રીતે ઉગાડેલા ચોખાનો ઉત્પાદન કરે છે, જે સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. ખાસ વાત એ છે કે તેઓ માત્ર ઉત્પાદન સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ વેલ્યુ એડિશન પર પણ ભાર મૂક્યો છે. તેઓ પોતે જ પ્રાકૃતિક ચોખાનું પ્રોસેસિંગ કરીને માર્કેટમાં વેચાણ કરે છે. આથી તેમને બજારમાં વધુ કિંમત મળે છે અને સીધો ગ્રાહકો સાથે સંપર્ક સ્થાપિત થાય છે.
પ્રાકૃતિક ચોખાની માંગ દિવસેને દિવસે વધી રહી છે, કારણ કે લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ
જાગૃત બન્યા છે. અશ્વિનભાઈ આ માંગને સમજતા થઈને ગુણવત્તા પર ખાસ ધ્યાન આપે છે. તેઓ પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેથી તેમના ઉત્પાદનોને ઓળખ મળે અને મોટા બજારમાં પ્રવેશ મેળવી શકે.
અશ્વિનભાઈ કહે છે કે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી, ખાસ કરીને ઉત્પાદન ઘટવાનું અને માર્કેટ મળવાનું પ્રશ્ન હતો. પરંતુ ધીરજ, સતત પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શનથી આજે તેઓ સફળતા તરફ આગળ વધી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહ્યા છે અને પોતાના અનુભવ શેર કરે છે.
આ યુવા ખેડૂતની સફર એ સાબિત કરે છે કે જો ખેડૂત નવી ટેક્નિક અને વિચારધારા અપનાવે, તો ખેતીમાં પણ ઉત્તમ આવક અને સન્માન મેળવી શકાય છે. પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને બચાવે છે એ જ નહીં, પરંતુ ખેડૂતને આત્મનિર્ભર બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાઠવા અશ્વિનભાઈ જેવા યુવાનોના પ્રયાસોથી ગ્રામ વિકાસ અને સ્વસ્થ સમાજ તરફ એક મજબૂત પગલું ભરાઈ રહ્યું છે. તેમની કહાની દરેક યુવા ખેડૂત માટે પ્રેરણા છે કે ખેતીમાં નવી દિશા અપનાવીને સફળતા મેળવી શકાય છે. રાઠવા અશ્વિનભાઈનો સંપર્ક નંબર ૯૭૧૪૦૧૩૨૦૫ છે.
ઃઃ તિખારો ::
જિંદગીની કિતાબના પાના તો ઘણા પલટ્યા છે. અમુક પાત્રો અધૂરા રહી અને સાથ છોડશે.તો અમુક દગો આપીને ભુસાય જશે. પણ જે વ્યક્તિ છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ ના છોડે એજ સંબંધમાં ઇશ્વરનું સાચુ સ્વરૂપ છે.










































